લગ્નના ૧૦ વર્ષ બાદ દીકરાએ પિતાની પોલ ખોલી: પરિણીતાની ફરિયાદ પરથી પતિ, સસરા અને નણંદ સામે જેતપુર સીટી પોલીસમાં ગુનો દાખલ
Haresh Bhaliya,Jetpur,તા.13
જેતપુરમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાને કરિયાવર બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની શરમજનક ઘટના સામે આવી છે. પરિણીતાના દાગીના વેચીને પતિ ધંધાના બહાને અમદાવાદ જતો રહ્યો હતો અને ત્યાં અન્ય સ્ત્રી સાથે રહેવા લાગ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેતપુર સીટી પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ, સસરા અને નણંદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના અમરધામ સોસાયટી વિસ્તારમાં પોતાના માવતરે રહેતા ૩૩ વર્ષીય ચાંદનીબેન ઉર્ફે ગેડુએ પોતાના પતિ રોનકભાઈ મનસુખભાઇ વોરા, સસરા મનસુખભાઈ મનજીભાઈ વોરા અને રાજકોટ રહેતી નણંદ મીરાબેન જીનેશભાઈ અકબરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચાંદનીબેને વર્ષ ૨૦૧૪ માં રોનકભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને સંતાનમાં તેમને ૧૦ વર્ષનો એક દીકરો છે.તેમના સસરા અવારનવાર મેણા મારતા હતા કે જો અમારી જ્ઞાતિની છોકરી હોત તો ૪૦ થી ૫૦ તોલા સોનું મળત, તેમ કહીને તેઓ પરિણીતાને માવતરેથી કિંમતી વસ્તુઓ લાવવા દબાણ કરતા હતા. સાસરિયાઓના દબાણથી પરિણીતા પોતાના માવતરેથી સોનાના દાગીના લાવી હતી. પરંતુ પતિ રોનકભાઈએ અમદાવાદ જઈ ધંધો કરવાના બહાને આ તમામ દાગીના બેન્કના લોકરમાંથી કાઢીને વેચી નાખ્યા હતા અને પોતે એકલો અમદાવાદ જતો રહ્યો હતો.
વેકેશનમાં ૧૦ વર્ષનો દીકરો અમદાવાદ પિતા પાસે ગયો ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેના પિતા રોનકભાઈ મીનાક્ષી નામની અન્ય સ્ત્રી સાથે રહે છે દીકરાએ માતાને આ વાત કરતા પરિણીતાએ સાસરિયાઓને જાણ કરી હતી. આ બાબતે પતિએ પરિણીતાને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ ફિનાઈલ પીવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેમાં તેમના સાસુએ તેમને બચાવ્યા હતા. છેલ્લા છ મહિનાથી પરિણીતા પોતાના માવતરે જ રહે છે.આ મામલે જેતપુર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડી.એન. ગાજીપરાએ ભારતીય ન્યાય સંહિતાની (B.N.S.) કલમ ૮૫, ૩૫૨, ૩૫૧(૩), ૫૪ અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ ૩ અને ૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

