New Delhi,તા.15
દેશમાં ટેકનિકલ શિક્ષણનું રેગ્યુલેશન કરતી ભારત સરકારની ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા જ હવે બીબીએ અને બીબીએ કોર્સ, કોલેજોનું રેગ્યુલેશન થનાર છે. કાઉન્સિલ દ્વારા બીબીએ અને બીસીએને કોલેજોની મંજૂરી આપવા ઉપરાંત કોર્સ પણ નક્કી કરવામા આવનાર છે. જેથી હાલ કાઉન્સિલ દ્વારા બીબીએ માટેનો કોમન મોડલ કરિક્યુલમ પણ જાહેર કરી દેવાયો છે.
કાઉન્સિલ હેઠળ હાલ ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, એમ.ઈ, એમબીએ, એમસીએ સહિતના ટેકનિકલ કોર્સીસ છે અને જેના પણ મોડલ કરિક્યુલમ અગાઉ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયા છે.
તમામ યુનિ.ને આ વર્ષથી મોડલ કરિક્યુલમનો અમલ કરવા આદેશ
બીબીએ-બીસીએ પણ ટેકનિકલ શિક્ષણ હેઠળ આવતા કાઉન્સિલ દ્વારા બીબીએ માટેનો મોડલ કરિક્યુલમ જાહેર કરાયો છે અને તમામ યુનિ.-કોલેજોને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છે કે આ વર્ષથી આ મોડલ કરિક્યુલમ લાગુ કરવામા આવે છે. આ મોડલ કરિક્યુલમમાં ત્રણ વર્ષ માટે 120 ક્રેડિટ અને ચાર વર્ષ માટે 160 ક્રેડિટ સાથેના ફ્રેમવર્ક મુજબ સીલેબસ અપાયો છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગનો પણ સમાવેશ કરાયો છે. ઈન્ટર ડિસિપ્લનરી સબ્જેક્ટસ સાથેના આ મોડલ કરિક્યુલમમાં હાવર્ડ બિઝનેસના કેસ સ્ટડીઝને પણ મુકવામા આવ્યા છે. એક્સપર્ટસ દ્વારા તૈયાર મોડલ કરિક્યુલમ કાઉન્સિલની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યો છે.

