Sydney, તા. 22
ઓસ્ટ્રેલિયાની પોલીસે સિડની નજીક આવેલાં એક ફાર્મહાઉસ પર દરોડો પાડીને 2.7 ટન (2,700 કિલોગ્રામ) કોકેનનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયાનાં ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ રિકવરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત આશરે 572 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે.
આ ડ્રગ્સ ગેંગે ગેરકાયદેસર કોકેન છુપાવવા માટે ખૂબ જ શાતિર રસ્તો અપનાવ્યો હતો. તેમણે શિપિંગ ક્નટેનરની નીચે ગુપ્ત અંડરગ્રાઉન્ડ બંકરો બનાવ્યાં હતાં અને ડ્રગ્સને પ્લાસ્ટિકનાં ટબમાં ભરીને ત્યાં દાટી દીધું હતું.
આ દરોડા દરમિયાન પોલીસને જોઈને ભાગવાનો પ્રયત્ન કરી રહેલાં 21 અને 25 વર્ષનાં બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે, જેમને ઉમરકેદની સજા થઈ શકે છે. આ સમગ્ર ઓપરેશનની શરૂઆત મે મહિનામાં ક્વીન્સલેન્ડના દરિયા કિનારેથી મળી આવેલાં 40 કિલો કોકેન અને એક સળગેલી ટ્રકથી થઈ હતી.
ત્યારપછી પોલીસે અલગ-અલગ એજન્સીઓ સાથે મળીને `ઓપરેશન મિન્જિયાંગ’ શરૂ કર્યું અને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો. આ કેસમાં અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ થઈ છે અને જે જહાજ દ્વારા આ ડ્રગ્સ ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યું હતું, તેને સોલોમન આઇલેન્ડ્સ ખાતે જપ્ત કરવામાં આવ્યું છે.

