New Delhi, તા. 22
ભારત અને અમેરિકા વચ્ચે ભલે કેટલાક વૈશ્વિક મુદ્દાઓ પર મતભેદ હોય, પરંતુ બંને દેશો વચ્ચેનો રક્ષણાત્મક સહયોગ સતત મજબૂત થઈ રહ્યો છે. અમેરિકાએ ભારતને અદ્યતન એએચ-64ઈ અપાચે અટેક હેલિકોપ્ટર અને એમ777એ2 અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર તોપોના મેઇન્ટેનન્સ તેમજ સહાયક સેવાઓ સંબંધિત ઉપકરણો વેચવાની મંજૂરી આપી દીધી છે.
આ પ્રસ્તાવિત રક્ષણાત્મક સોદાની અંદાજિત કિંમત 48.22 કરોડ અમેરિકી ડોલર છે. અમેરિકાની ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સી (DSCA) દ્વારા 17 જૂનના રોજ આ અંગેની સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે.
આ કુલ પેકેજ અંતર્ગત એમ777 હોવિત્ઝર તોપોના લાંબાગાળાના મેઇન્ટેનન્સ સપોર્ટ માટે 23 કરોડ ડોલર ફાળવવામાં આવ્યાં છે. આ આર્ટિલરી તોપો ભારતે ખાસ કરીને પહાડી અને સરહદી વિસ્તારોમાં પોતાની સૈન્ય ક્ષમતા મજબૂત કરવા માટે અમેરિકા પાસેથી ખરીદી હતી.
આ સહાયક પેકેજમાં સ્પેર પાર્ટ્સ, રિપેરિંગ એન્ડ રિટર્ન સર્વિસિસ, ટ્રેનિંગ, ટેકનિકલ આસિસ્ટન્સ અને લોજિસ્ટિક્સ સપોર્ટ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ રક્ષણાત્મક સાધનો માટે બ્રિટન સ્થિત બીએઈ સિસ્ટમ્સ મુખ્ય કોન્ટ્રાક્ટર કંપની તરીકે કામ કરશે.
બીજી તરફ, ભારતીય વાયુસેના અને સેના દ્વારા ઓપરેટ કરવામાં આવતાં વિશ્વનાં સૌથી અદ્યતન એવા અપાચે અટેક હેલિકોપ્ટર્સ માટે 19.82 કરોડ ડોલરનું સપોર્ટ પેકેજ મંજૂર કરાયું છે. આ પેકેજ અંતર્ગત હેલિકોપ્ટરોની જાળવણી માટે ટેકનિકલ ડોક્યુમેન્ટેશન, એન્જિનિયરિંગ સપોર્ટ અને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડવામાં આવશે.
અમેરિકાનાં સંરક્ષણ વિભાગનાં જણાવ્યાં અનુસાર, આ હેલિકોપ્ટર પ્રોગ્રામ માટે બોઇંગ અને લોકહીડ માર્ટિન જેવી અગ્રણી વૈશ્વિક કંપનીઓ મુખ્ય કોન્ટ્રાક્ટર રહેશે. અમેરિકી સંરક્ષણ વિભાગનાં જણાવ્યાં મુજબ, આ સોદો અમેરિકાની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાનાં ઉદ્દેશ્યોને સુસંગત છે, જે ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ દ્રઢ બનાવશે.

