New Delhi,તા.24
એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે રસ્તો ભટકીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગઈ. તેને પાકિસ્તાનની એર ટ્રાફિક ઓથોરિટીએ ચેતવણી આપીને પાછી મોકલી. વિમાને દિલ્હીથી ઉડાન ભરી હતી અને તેને અમૃતસરમાં લેન્ડ થવાનું હતું.
પાકિસ્તાનના એરસ્પેસમાંથી જ્યારે ફ્લાઇટ પાછી ફરી, ત્યાં સુધીમાં અમૃતસર એરપોર્ટ પર ટ્રાફિક વધી ગયો હતો, આથી તેને પાછી દિલ્હી મોકલી દેવામાં આવી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું છે કે ટેકનિકલ ખામીને કારણે આ ફ્લાઇટ રસ્તો ભટકી ગઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. એરપોર્ટ ઓથોરિટી પાસેથી મળેલી માહિતી મુજબ, એરબસ AI-321 વિમાને સોમવારે રાત્રે 9 વાગીને 18 મિનિટે દિલ્હીથી ઉડાન ભરી હતી. આ વિમાન તેના નિર્ધારિત સમય કરતાં 3 મિનિટ મોડું ઉડ્યું હતું. ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
વિમાનને રાત્રે 10 વાગીને 30 મિનિટે અમૃતસરમાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે રૂટ પરથી ભટકી ગયું અને પાકિસ્તાનના એર સ્પેસમાં ઘૂસી ગયું. આ વાતની જાણ પાઇલટને પણ ત્યારે થઈ, જ્યારે પાકિસ્તાન એર ટ્રાફિક ઓથોરિટી તરફથી વિમાનને ચેતવણી મળવા લાગી.અમૃતસર પાછી આવી ત્યાં સુધીમાં રનવે વ્યસ્ત થઈ ગયો
આ ઘટનાના તરત જ પછી પાઇલટે વિમાનનો રસ્તો બદલ્યો અને યુ-ટર્ન લઈને પાછો ભારતના એરસ્પેસમાં આવ્યા. જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. સમય વીતી ગયા પછી વિમાન અમૃતસરની સીમામાં પહોંચ્યું, પરંતુ ટ્રાફિક વધવાથી વિમાનને ઉતરવાની મંજૂરી ન મળી.
એરપોર્ટ કંટ્રોલ રૂમમાંથી વિમાનને પાછું દિલ્હી જવાની સૂચના મળી. આ પછી વિમાન પાછું દિલ્હી ગયું, જ્યાં તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું. લગભગ 2 કલાક પછી ફરીથી મંજૂરી મળતા વિમાને અમૃતસર માટે ફરીથી ઉડાન ભરી અને સોમવાર-મંગળવારની મધ્યરાત્રિએ લગભગ 4 કલાકના વિલંબથી 2 વાગીને 20 મિનિટે અમૃતસર એરપોર્ટ પર સુરક્ષિત ઉતરી ગયું.
એર ઇન્ડિયાની ફ્લાઇટ અમૃતસરના એર ટ્રાફિકમાં જઈને રસ્તો ભટકી ગઈ અને પાકિસ્તાનના એરસ્પેસમાં પહોંચી ગઈ. ત્યાંથી પાછા ફર્યા પછી, ફ્લાઇટે અમૃતસરની આસપાસ ઘણા ચક્કર લગાવ્યા. ત્યારબાદ તેને દિલ્હી લઈ જવામાં આવી.

