Bhavnagar તા.25
ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં જાહેર રોડ પર ડી.જે. સ્પીકર મૂકવા જેવી નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ બંને પક્ષોના સાત શખ્સોએ જાહેર માર્ગ પર એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ ઢીકાપાટુની છુટ્ટી મારામારી કરી હુલ્લડ મચાવતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક અથડામણમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ પોતે ફરિયાદી બની સાતેય શખ્સો વિરૂદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે.
બનાવની વિગત એવી છે કે બપોરના બે વાગ્યાના અરસામાં આંબાચોક ખાતે આવેલી ઓઝરીયા મસ્જિદ બહાર જાહેર રોડ પર ડી.જે. સ્પીકર વગાડવા માટે સ્પીકરની પેટીઓ સ્ટેન્ડ ઉપર ફિટ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન મોનિલ વિરાણી નામના શખ્સે રોડ ઉપર આવેલી ‘બંગલા સોડા’ની દુકાન સામે સ્પીકરોની પેટીઓ ગોઠવી હતી. દુકાનદાર રફીક ફતાણીએ રોડ સાંકડો હોવાથી વાહનોને અડચણરૂપ ન થાય તે માટે સ્પીકરની પેટીઓ અંદર અથવા અન્ય જગ્યાએ રાખવા જણાવ્યું હતું. જો કે, મોનિલે સ્પીકરની પેટીઓ હટાવવાની સાફ ના પાડી દેતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર વિવાદ શરૂ થયો હતો.
બપોરનો આ વિવાદ રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં વધુ વણસ્યો હતો અને બંને પક્ષના લોકો લાકડી અને ઢીકાપાટુ વડે સામસામે આવી ગયા હતા. એક પક્ષના ઈર્શાદ રફીકભાઈ ફતાણી, ઈમરાન રફીકભાઈ ફતાણી, ઉસ્માન રફીકભાઈ ફતાણી અને સામે પક્ષે મોનિલ અબ્બાસભાઈ વિરાણી, મહેંદીહુસેન શેરઅલી વિરાણી અને શબ્બીર હરિયાણી વચ્ચે જાહેર રોડ પર જ લોહીયાળ જંગ ખેલાયો હતો. આ મારામારી દરમિયાન રફીક બંગલા સોડાવાળા નામના શખ્સે પોતાના દીકરાઓને ઝઘડો કરવા માટે ઉશ્કેર્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
આ બનાવમાં ઈજાગ્રસ્ત બનેલા મોનિલ વિરાણી અને રફીક ફતાણીને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગંગાજળિયા પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ સમગ્ર મામલે ગંગાજળિયા પોલીસ મથકના પીએસઆઈ જી.આર. ધાંધલ પોતે ફરિયાદી બન્યા છે અને જાહેર રોડ પર શાંતિ ભંગ કરવા તથા હુલ્લડ મચાવવા બદલ બંને પક્ષના સાતેય શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

