Bhavnagar, તા.25
ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો વિવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા સમગ્ર તબીબી આલમ અને શૈક્ષણિક જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ડોક્ટરે સિનિયર ડોક્ટરો સામે માનસિક દબાણ અને નાણાકીય સતામણી અંગે સીધી કેન્દ્રીય સ્તરે ફરિયાદ નોંધાવી છે.
ગાયનેક વિભાગના એક જુનિયર તબીબ દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના સત્તાવાર એન્ટી-રેગિંગ પોર્ટલ પર એક નનામી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ગંભીર આક્ષેપો કરતાં જણાવાયું છે કે સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયરો પર સતત અયોગ્ય દબાણ લાવવામાં આવે છે અને ‘જમવાના’ બહાને જુનિયર ડોક્ટરો પાસેથી પરાણે પૈસા માંગવામાં આવે છે.
UGC પોર્ટલ પરથી આ બાબતની જાણ થતાં જ મેડિકલ કોલેજ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને કોલેજની એન્ટી રેગિંગ કમિટી તથા સ્પેશિયલ સ્ક્વોર્ડ દ્વારા આ મામલે ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના ભાગરૂપે કમિટી દ્વારા ગાયનેક વિભાગના ફર્સ્ટ યર, સેક્ધડ યર અને થર્ડ યરના તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવીને તેમના સત્તાવાર નિવેદનો લેવામાં આવ્યા હતા.
જોકે, આ સમગ્ર મામલે નિવેદનો લેવાની પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીએ આવી કોઈ ફરિયાદ કરી હોવાનો સ્વીકાર કર્યો નથી. કમિટી સમક્ષ હાજર થયેલા જુનિયર ડોક્ટરોએ પોતાની સાથે આવી કોઈ પણ ઘટના બની હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે, જેથી આ નનામી ફરિયાદ પાછળનું સાચું કારણ શું છે તે અંગે તંત્ર દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

