New Delhi, તા. 25
ઇઝરાયેલની કુખ્યાત ગુપ્તચર એજન્સી `મોસાદ’ દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા શહેરમાં પાકિસ્તાનનાં આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની હત્યા કરવાનું એક મોટું કાવતરુ ઘડવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો દાવો બ્રાઝિલના એક જાણીતાં પત્રકારે કર્યો છે.
અહેવાલો અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાની સેના પ્રમુખ પોતાનાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઇરાન શાંતિ વાર્તામાં ભાગ લેવા માટે જિનેવા ગયા હતા. આ આખી સાજિશ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સીધા આદેશ પર ઘડવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
બ્રાઝિલના પત્રકાર અને ભૌગોલિક રાજકીય વિશ્લેષક પેપે એસ્કોબારે દાવો કર્યો છે કે, પાકિસ્તાનની મિલિટરી ઇન્ટેલિજન્સે સમયસર મોસાદના આ ખતરનાક પ્લાનની ભાળ મેળવી લીધી હતી. કાવતરાની ખબર પડતાં જ પાકિસ્તાની તંત્ર દ્વારા ઇઝરાયેલને અત્યંત કડક શબ્દોમાં વળતો સંદેશો મોકલવામાં આવ્યો હતો.
પાકિસ્તાને ઇઝરાયેલને સીધી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો તમે અમારા પ્રતિનિધિઓને હાથ પણ અડાડ્યો, તો અમે તમને દુનિયાનાં નકશા પરથી મિટાવી દઈશું. આ કડક સંદેશા બાદ ઇઝરાયેલ બેકફૂટ પર આવી ગયું હતું.

