વાદીનો પ્રથમ દર્શનીય કેસ ન હોવાની બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખતી સિવિલ કોર્ટ
Rajkot તા.૨૫
શહેરમાં ઓઝા પરિવારમાં જુના દત્તક વિધાન હોવાનું જણાવી અન્ય દત્તક વિધાન રજૂ કરનારનો મિલકતનો કબ્જો ગેરકાયદેસર ઠેરવવા કરેલ દાવામાં વાદીની કામચલાઉ મનાઈ હુકમ મેળવવાની અરજી સિવિલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે.આ દાવાની હકીકત મુજબ, શહેર રહેતા યોગેન્દ્ર માણેકલાલ ઓઝાનું તા. ૧૯/૦૨/૧૯ના રોજ અવસાન થયું હતું, તેમણે પોતાની હયાતીમાં આનંદભાઈ ઓઝા તથા રિધ્ધિબેન ઓઝાના સગીર પુત્ર યક્ષને દત્તક લઇ તે દત્તક વિધાનના રજિ. દસ્તાવેજ થયેલ હતા. દરમિયાન યોગેન્દ્રભાઈ ઓઝાના અવસાન બાદ સદરહુ દસ્તાવેજના આધારે યક્ષના કુદરતી વાલી આનંદભાઈ અને રિદ્ધિબેન દ્વારા યક્ષ યોગેન્દ્રભાઇ ઓઝાના ગાર્ડિયન તરીકે નિમણૂક મેળવ્યા બાદ ગુજરનાર યોગેન્દ્રભાઈની મિલકત માટે પ્રોબેટ અરજી કરી ગુજરનારના દત્તક પુત્ર તરીકે હેરશિપ સર્ટિફિકેટ મેળવેલ હતું. આ હકીકત બાદ લંડન રહેતા ઓઝા પરિવારજને વાદી તરીકે સચિન યોગેન્દ્ર ઓઝાએ પોતાને સને ૧૯૯૯ની સાલથી ૫ વર્ષની ઉંમરે જ ગુજરનાર યોગેન્દ્ર ઓઝા દ્વારા દત્તક પુત્ર તરીકે સ્વીકારેલ હતા. જ્યારે પ્રતિવાદી યક્ષનો દત્તક વિધાનનો દસ્તાવેજ સને ૨૦૧૭નો છે, જેથી એક વ્યક્તિ પોતાની હયાતીમાં માત્ર એક જ પુત્ર/પુત્રીને દત્તક લઈ શકે, તેવું સિવિલ કોર્ટને જણાવી યક્ષ યોગેન્દ્રભાઇ ઓઝાનું દત્તક વિધાન બનાવટી છે, ફ્રોડ છે અને પ્રથમથી જ રદબાલ થવા પાત્ર છે તેવું પ્રસ્થાપિત કરવા ચાલુ જૂન મહિનામાં જ સિવિલ દાવો દાખલ કરેલ હતો. જે દાવાના કામમાં સદરહુ મિલકતનો ટ્રાન્સફર-વેચાણ વિગેરે ઉપર કામચલાઉ મનાઇ હુકમ મેળવવા અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા પ્રતિવાદીઓના વકીલ રાજેશ મહેતા દ્વારા દલીલો કરેલ હતી કે વાદીની અરજી પાયાવિહોણી હોય, વાદીનો કોઈ પ્રથમ દર્શનીય કેસ નથી અને પ્રતિવાદી યક્ષ યોગેન્દ્રભાઈ ઓઝાનો દત્તક વિધાન કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ વેલિડ એડોપ્શન ડીડ હોય તેવા સંજોગોમાં વાદી કામચલાઉ મનાઇ હુકમ મેળવવા હક્કદાર થતાં નથી, આ મતલબની દલીલો સાથે વિવિધ મુદ્દાઓ ઉપર રજૂ કરાયેલા ઉચ્ચ તથા સર્વોચ્ચ અદાલતના ટાંકેલ ચૂકદાઓને સિવિલ કોર્ટ દ્વારા વાદીની પ્રતિવાદીઓ વિરુધ્ધ કરેલ મિલકત ઉપર કામચલાઉ મનાઇ હુકમ મેળવવાની અરજી રદ કરી હતી. પ્રતિવાદીઓ વતી સિનિયર એડવોકેટ રાજેશ આર.મહેતા, રુદ્ર એ.ભટ્ટ, સારંગ ભટ્ટી રોકાયા હતા.

