Surat, તા.૨૭
દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને શેરડીના ખેતરોમાં દીપડાઓનો વસવાટ અને આતંક સતત ચિંતાનો વિષય બન્યો છે. દીપડાઓ ખોરાકની શોધમાં જંગલની હદ વટાવીને માનવ વસ્તી તરફ ધસી ન આવે તે માટે સુરત વન વિભાગ દ્વારા એક પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરત જિલ્લાના માંડવીના જંગલ વિસ્તારમાં હાલ ૧૦૦થી વધુ દીપડાઓ નોંધાયા છે, જેમના કુદરતી ખોરાક માટે શાસણ-ગીરના જંગલમાંથી ખાસ ૬૫ જેટલા હરણોને સુરત લાવવામાં આવ્યા છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જંગલ વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઓછી થતાં દીપડાઓ શિકારની શોધમાં જંગલ બહાર નીકળી પાલતુ પશુઓ અને માનવીઓ પર હુમલો કરે છે. જો તેમને જંગલની અંદર જ પૂરતો ખોરાક મળી રહે, તો તેઓ બહાર આવતા અટકશે. વન વિભાગની યોજના મુજબ, ગીરથી લાવવામાં આવેલા તમામ ૬૫ હરણોને તાત્કાલિક ખુલ્લા જંગલમાં છોડવામાં નહીં આવે. માંડવીના જંગલમાં ખાસ તૈયાર કરાયેલા મોટા વાડા (એન્ક્લોઝર)માં તેમને સુરક્ષિત રાખવામાં આવશે. આ પ્રક્રિયાને વાઇલ્ડલાઇફની ભાષામાં ‘સોફ્ટ રિલીઝ’ કહેવામાં આવે છે. અહીં હરણો સુરતના વાતાવરણથી ટેવાઈ જશે અને બ્રીડિંગ દ્વારા તેમની સંખ્યામાં વધારો થશે, ત્યારબાદ તેમને તબક્કાવાર રીતે દીપડાના વિસ્તારોમાં મુક્ત કરવામાં આવશે. લાંબા ગાળે આ પ્રોજેક્ટ સુરત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માનવ-દીપડા વચ્ચેના સંઘર્ષને ઘટાડવામાં અત્યંત કારગત સાબિત થશે તેમ વન વિભાગ માની રહ્યું છે.

