ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સની અંદર સૂતેલો દર્દી સ્ટ્રેચરની નીચે દબાઈ ગયો હતો અને અંદર રાખેલા મેડિકલના ભારે સાધનો તેની છાતી પર આવી પડ્યા
Surat,તા. 27
જેને લોકો જીવાદોરી સમજીને પોતાની જિંદગી બચાવવા માટે બોલાવે છે, તે જ ૧૦૮ એમ્બ્યુલન્સ સુરતમાં એક ગરીબ દર્દી માટે કાળ સાબિત થઈ છે. સુરત શહેરમાં મોડી રાત્રે ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકની ઘોર બેદરકારીના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.
પુરઝડપે દોડતી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી થાંભલા સાથે અથડાવી દીધી હતી. આ કાળજું કંપાવનારા અકસ્માતમાં સારવાર માટે લઈ જવાઈ રહેલો દર્દી જ ગંભીર રીતે ઘાયલ થયો છે.
ઘટનાની વિગત મુજબ, મોડી રાત્રે ખારવડ નગર મ્ઇ્જી પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સની અંદર સૂતેલો દર્દી સ્ટ્રેચરની નીચે દબાઈ ગયો હતો અને અંદર રાખેલા મેડિકલના ભારે સાધનો તેની છાતી પર આવી પડ્યા હતા. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં દર્દીને તાત્કાલિક બીજી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે અને સોનોગ્રાફી સહિતના મેડિકલ રિપોર્ટ કરાવતા અત્યંત આઘાતજનક વિગતો સામે આવી છે. અકસ્માતના આંચકાના કારણે દર્દીની કરોડરજ્જુની નીચેની નસો સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ છે. જેના કારણે હવે તેના આખા શરીરમાં કોઈ હલચલ થતી નથી અને દર્દી માત્ર ગરદન જ હલાવી શકે છે, એટલે કે તે લકવાગ્રસ્ત થઈ ગયો છે.
ભોગ બનનાર દર્દી ગરીબ પરિવારનો છે અને તેને બે નાની દીકરીઓ છે, જેથી ઘરના મોભીની આવી હાલત થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પીડિતના ભાઈ મહેન્દ્ર મિશ્રાએ મીડિયા સમક્ષ રડતી આંખે ન્યાયની ગુહાર લગાવી છે અને બેદરકાર ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

