Surat,તા.૨૭
શહેરના ઐતિહાસિક ચોકબજાર વિસ્તારમાં રાજા ઓવારા પાસે વકફ બોર્ડની ખોટી નોંધણીના આધારે મસ્જિદ ઊભી કરવાના વિવાદમાં દાયદા બાદ કોર્ટનો એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ટ્રિબ્યુનલ કોર્ટે ગેરકાયદેસર રીતે વકફની નોંધણી કરાવીને મસ્જિદનું બાંધકામ કરવાના પ્રયાસોને સદંતર ફગાવી દીધા છે અને સામેવાળા પક્ષને ખોટી રીતે હેરાન કરવા બદલ ૧,૦૦,૦૦૦ (એક લાખ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. ત્યારે છેલ્લા ૧૨ વર્ષથી આ મામલે કાનુની લડત લડતા હિન્દુત્વવાદી નેતા દીપક આફ્રિકાવાલાએ કોર્ટના આ ચુકાદાને સત્યનો વિજય થયો હોવાનું જણાવી વધાવી લીધો છે.
વિગતે વાત કરીએ તો, સુરત શહેરના ચોકબજાર ચાર રસ્તા પાસે ’રાજા ઓવારા’ તરીકે ઓળખાતી એક મહત્વની અને સરકારી માલિકીની જગ્યા આવેલી છે. આ ઓવારાની નીચે હજારો વર્ષ જૂના ઐતિહાસિક હિન્દુ મંદિરો આવેલા છે, જે સુરતના સ્થાનિક લોકો અને હિન્દુ સમાજ માટે વર્ષોથી અતૂટ આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. આ પવિત્ર મંદિરોની ઉપરના ભાગમાં ભૂતકાળમાં ઝૂંપડપટ્ટી આવેલી હતી. મંદિરે દર્શનાર્થે આવતા હજારો ભક્તોને આ ઝૂંપડપટ્ટીના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્ર દ્વારા આ ઝૂંપડપટ્ટીના લોકોને ૧૨૬ વૈકલ્પિક આવાસ ફાળવીને આ જગ્યા સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી હતી.
જગ્યા ખાલી થયા બાદ બે-ત્રણ વર્ષ સુધી આ જમીન ખુલ્લી રહી હતી, જેનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વોએ ત્યાં દારૂ અને જુગારના અડ્ડા શરૂ કરી દીધા હતા. ત્યાકે જે-તે સમયે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સેનેટ સિંડિકેટ સભ્ય(હાલ પૂર્વ) જાણીતા હિન્દુત્વવાદી નેતા દીપક આફ્રિકાવાલાએ આ અંગે તત્કાલીન પોલીસ કમિશનર અને લાલગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. આ ઉપરાંત, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ અહીં અનેક વખત દરોડા પાડીને અસામાજિક તત્વોને જેલભેગા કરવામાં આવ્યા હતા.
આફ્રિકાવાલાએ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટરને પણ આગ્રહ કર્યો હતો કે આ સરકારી જમીન હોવાથી તેની ફરતે કમ્પાઉન્ડ વોલ (દીવાલ) બનાવીને તેનો કબજો સુરક્ષિત કરવામાં આવે, પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતાના કારણે કોઈ પગલાં લેવાયા નહીં. આ બાબતનો ફાયદો ઉઠાવીને કેટલાક તત્વોની દાનત બગડી અને જમીન પચાવી પાડવાના ઈરાદાથી ત્યાં અચાનક મોટો ખાડો ખોદવાનું શરૂ કરી દેવામાં આવ્યું. દીપક આફ્રિકાવાલા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે આ વકફની જગ્યા છે તેવો દાવો કરીને ત્યાં ’હુસૈની મસ્જિદ’ નામનું નવું ધાર્મિક માળખું ઊભું કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું.
આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા માટે દીપક આફ્રિકાવાલાએ સુરત મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનર સમક્ષ કડક કાનૂની પગલાં લેવાની માંગ કરી હતી. પાલિકા તંત્રએ શરૂઆતમાં બે-ત્રણ વાર આ બાંધકામ અટકાવીને તેમનો માલસામાન પણ જપ્ત કર્યો હતો. જો કે, વિપક્ષ દ્વારા વકફ બોર્ડની નોંધણીનું એક તદ્દન ખોટું અને બોગસ પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું અને કલેક્ટર તેમજ કોર્પોરેશનને વકફ તરફથી નોટિસ મોકલવામાં આવી કે આ જગ્યા વકફની હોવાથી ત્યાં કોઈ તોડફોડ કરવી નહીં. આ પડકાર વચ્ચે પણ દીપક આફ્રિકાવાલાએ હિંમત હાર્યા વિના આ વકફ સર્ટિફિકેટ બોગસ હોવાના તમામ દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા અને કોર્પોરેશન સમક્ષ રજૂ કરીને બાંધકામ ફરીથી અટકાવ્યું. આખરે મામલો ટ્રિબ્યુનલ કોર્ટમાં અપીલ સુધી પહોંચ્યો હતો.
અપીલ દરમિયાન દીપક આફ્રિકાવાલાએ એડવોકેટ કૌશલ પંડ્યા (જેઓ કોર્પોરેશનના પણ વકીલ છે) મારફતે તમામ મજબૂત પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. વકીલ કૌશલ પંડ્યાની ધારદાર દલીલો અને સચોટ પુરાવાઓના આધારે ટ્રિબ્યુનલ કોર્ટે વિપક્ષની અપીલને સદંતર નકારી કાઢી છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વકફની નોંધણી ખોટી અને ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી અને આ બાંધકામ પણ સંપૂર્ણપણે અનધિકૃત છે. તદુપરાંત, કોર્ટે ખોટી રીતે વિવાદ ઊભો કરવા બદલ સામેવાળા પક્ષને ૧,૦૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
૧૨ વર્ષની લાંબી અને થકવી દેનારી લડત બાદ મળેલા આ વિજય અંગે દીપક આફ્રિકાવાલાએ ભારે ખુશી અને ગૌરવ વ્યક્ત કરતા જણાવ્યું કે, “જ્યારે મોટા-મોટા અધિકારીઓએ ન્યાય ન આપ્યો, ત્યારે પણ મેં હિંમત હારી નહોતી અને અવિરત લોકસેવા અને હિન્દુત્વનું કામ ચાલુ રાખ્યું. આખરે ટ્રિબ્યુનલ કોર્ટે અમને ન્યાય આપ્યો છે. હવે આ પવિત્ર જગ્યા અસામાજિક તત્વોથી મુક્ત થશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, સુરત મહાનગરપાલિકાના પ્લાનિંગ મુજબ આ જગ્યા અત્યંત મહત્વપૂર્ણ છે. આ જમીનને ’હેરિટેજ પ્રિઝર્વેશન’ (ઐતિહાસિક વારસાના સંરક્ષણ) માટે અનામત રાખવામાં આવી છે. સમગ્ર ચોકબજાર વિસ્તારને એક ઐતિહાસિક વારસા તરીકે વિકસાવવાનો પ્લાન છે, જેથી સુરતમાં પ્રવેશતા જ શહેરની ભવ્ય વિરાસત અને હેરિટેજ સંસ્કૃતિના દર્શન થાય. આવા મહત્વના સરકારી પ્રોજેક્ટની જગ્યા પર મસ્જિદ ઊભી કરવાનું વિરોધીઓનું આયોજન કોર્ટના આ આદેશથી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે.

