ફાલ્ગુની વસાવડા
સાહિત્યનાં એક પ્રોગ્રામમાં અમદાવાદ જવાનું થયું, અને કવિ સંમેલનમાં કાવ્ય પઠનની સુંદર તક સાંપડી. બધાંએ ખૂબ સુંદર રજૂઆત કરી, મહેમાનો એ પણ સાચું માર્ગદર્શન આપ્યું. ખૂબ બધી બહેનોને જોઈ રાજીપો થયો!એકંદરે ટીમ વર્ક દ્વારા ખૂબ જ સુંદર અવસરનું આયોજન થયું! આજે બધાં ક્ષેત્રમાં સ્ત્રીઓએ સફળતા મેળવી છે, પણ હજી હાઉસ વાઈફની માટે સમાજમાં જોઈએ એટલી ઈજ્જત નથી, અને તેથી એવી બહેનોએ પોતાની લાગણી રજૂ કરી એ કાબિલે દાદ હતું! સ્ત્રી અને સમર્પણ બંને જાણે પર્યાય!; પતિ પરિવાર યોગ્ય હોય કે ન્હોય પણ ગૃહસ્થી નિભાવવાની જવાબદારી ફક્ત સ્ત્રીઓની! પહેલાં તો આવાં કિસ્સા બહુ જ બનતાં જેમાં પતિએ પોતાની પત્ની સાથે પ્રેમની બે વાત કરી હોય! અને છતાંયે ક્ષમા કરીને એનું જીવન સંવારતી હોય! પરંતુ ઘણીવાર એવું થાય કે કંઈક ખોટું થઈ રહ્યું છે! એવાં વારંવારનાં ભાવને દબાવ્યા વગર ક્ષમાનાં એક અલગ પહેલું વિશે પણ વિચારવું જોઈએ.
ટ્રીન ટ્રીન કરીને ફોનની ઘંટડી વાગી, મનમાં થયું અત્યારે કોણ હશે વળી! સવારનાં 8 વાગ્યા હતાં. વંદિતા એ ફોન ઉપાડ્યો, સામે છેડેથી કામિની આન્ટીનો અવાજ આવ્યો, વંદિતા આજે તું ઘરે આવજે. તારી સહેલી સોનલ જોને એની બાર વરસની દીકરીને લઈને, પતિ સાથે ઝઘડો કરી ઘરે આવતી રહી છે. આવીને એને કંઈક સમજાવ કે ગૃહસ્થીમાં આવું તો બધું ચાલે રાખે, સ્ત્રીઓ તો સહનશક્તિ વાળી, અને ક્ષમાનો ગુણ ધરાવતી હોવી જોઈએ. સોનલને તો કયું ભૂત સવાર થયું છે! તે આવું સારું સાસરૂ છોડીને ઘરે આવતી રહી છે. કહે છે કે હવે હું ક્યારેય જવાની નથી. મેં કહ્યું કે એકાદવાર ક્ષમા કરીને સમાધાન કરી જો, પછી ફાવે નહીં તો આવતી રહેજે, પણ માનવાની ના જ પાડે છે,! તારી પાકી સહેલી છે, એટલે મને થયું તને કહું. હું પોતેજ નિઃસહાય વિધવા છું, તો આ બંનેનો ઉછેર કઈ રીતે કરું? બોલ તું જ કહે!! અને આ દિવસે દાડે વધતી જતી મોંઘવારી, તો આ છોકરીનાં ભણતરનો ખર્ચ, બધું જ વિચારવું તો જોઈએ ને? આન્ટી એકધારું બોલતાં હતાં, મેં કહ્યું, આંટી વાંધો નહીં, હું સાંજે આવીશ,અને સોનલ સાથે વાત કરીશ. સોનલ મારી બહુ જ ખાસ બહેનપણી હતી, અને આવડું મોટું પગલું તેણે આમ અચાનક કઇ રીતે લઇ લીધું! અને તે પણ કંઈ ગંધ પણ આવવાં દીધી નહી. અમે તો નિયમિત ફોન પર વાત કરતાં હતાં, ત્યારે તેણે ક્યારેય તેનાં પતિ વિરુદ્ધ વાત કરી નથી, અને સીધો અચાનક જુદા થવાનો નિર્ણય. મારું મન કેમ કરીને માનતું ન્હોતું. મેં તાત્કાલિક ઓફિસમાં, ફોન કરીને રજા લઇ લીધી, અને સોનલને મળવા જવાનું નક્કી કરી લીધું, અને 10:30 વાગ્યા ત્યાં રીક્ષા સોનલના ઘર પાસે ઊભી હતી. દરવાજે જ મને કામિની આન્ટીનો કર્કશ અવાજ સંભળાયો, એટલે દીકરી પ્રત્યે પ્રેમ ન્હોતો એવું ન્હોતું, પણ એક તો સમાજ શું કહેશે? એ અને બીજું પોતાની આર્થિક સદ્ધરતા ન્હોતી એટલે મૂંઝાતા હતા.હું ઘરમાં પ્રવેશી અને મને જોતાં જ સોનલ એકદમ દોડી અને મને ભેટી પડી, અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. મેં તેને છાની રાખતા કહ્યું કે, હું સાંજ સુધી અહીં છું. નિરાંતે રડવું હોય તેટલું રડી લે, પરંતુ શું થયું! એ બધું વિગતે જણાવ!. સિદ્ધિ પાણી લઈને આવી, મેં સોનલને પણ પાણી પીવડાવ્યું અને શાંત કરી. સોનલ મને પોતાનાં રૂમમાં લઇ ગઈ, પણ કામિની આંટીનો હજી ધીમો ધીમો બડબડાટ ચાલુ હતો.
સોનલનાં લગ્ન બહુ જ ધામધૂમથી થયાં હતાં, સંકેત અમારી સાથે જ કોલેજમાં ભણતો હતો, અને રૂપ રૂપનાં અંબાર સમી, સોનલ પર તેનું મન આવી ગયું હતું. સોનલ એક સામાન્ય મા બાપની દીકરી હતી, તો સંકેત એક કરોડપતિ બાપનો એકનો એક દીકરો હતો. સ્ટેટસના પ્રશ્ને પહેલાં, તો સંકેતના પરિવાર વાળાએ આ સંબંધ મંજૂર ન્હતો, પછી દિકરાની જીદ પાસે નમી ગયાં.
સોનલ એ વાતની શરૂઆત કરતાં કહ્યું કે લગ્નનો શરૂઆતનો સમય બહુ સરસ રહ્યો, પછી પૈસાદારોનાં નબીરાનાં શોખ જેમ, સંકેતને પણ અમુક કુટેવો હતી. તે ધીરે ધીરે પ્રકાશમાં આવવાની શરૂ થઈ, સોનલે પ્રેમથી પોતાનાં પતિને સમજાવવાની ઘણી કોશિશ કરી. આ સમય દરમિયાન તે મા પણ બની ગઈ હતી. એટલે દીકરીનો વાસ્તો પણ આપ્યો કે, તમે એક દીકરીનાં બાપ છો, થોડું સમજો તો ખરા વગેરે. પણ સંકેત તો જાણે હવે બદલાય જ ગયો હોય, તેમ મોડે મોડે સુધી ક્લબોમાંથી દારૂ પીને પાછા આવવું, સટ્ટો રમવો, અને ક્યારેક તો રાતભર બહાર રહે! પછી તો અન્ય સ્ત્રીઓને ઘરે લાવતો! વિરોધ કરીએ તો ઘરમાં પણ ગાલી ગલોચ, અને મારપીટ પણ શરૂ કરી. દિકરી મોટી થતી જતી હતી. શ્રીમંત કુટુંબમાં લગ્ન થતાં પોતે પણ કોઇ વ્યવસાય શરૂ કર્યો ન્હોતો. તો આ દીકરીને લઇને, હવે ક્યાં જશે? પિયરમાં પણ બાપની હયાતી હતી નહી, અને આર્થિક રીતે પણ પિયર સદ્ધર ન્હોતું,એટલે એ હિસાબે અને સ્ત્રીઓમાં અમુક ગુણ તો હોવા જ જોઈએ! એવી શિખામણો અને સંસ્કાર તો ખરાજ. એટલે સંકેતને દરેક વખતે ક્ષમા કરે રાખતી હતી. ક્ષમા વીરસ્ય ભૂષણમ્ એ ગીતાનું વાક્ય પણ હૃદયમાં જાણે કોતરાયેલ હતું. પણ એક દિવસ સંકેત રાત્રે દારૂ પીને આવ્યો, અને મારી ઈચ્છા નહોતી છતાં મને ઢસડીને બેડ પર પટકી! કપડાં ખેંચવા લાગ્યો, ના પાડી તો મારવાની શરુઆત કરી, અને બારણામાં ઉભેલી સિદ્ધિ આ દ્રશ્ય જોઈ ગઈ,તે એકદમ સહમીને ખૂબ ડરી ગઈ. બીજે દિવસે તેણે મને કહ્યું કે મમ્મી તું ક્ષમા કરીને પપ્પાને વધુ બગડવાનુ પ્રોત્સાહન આપે છે. તે તારા આ ક્ષમાનાં ગુણનો ગેરફાયદો ઉઠાવે છે. મારી રીતે તો એને સુધારવા માટે થઈને પણ તારે હવે ક્ષમા કરવી જોઈએ નહીં, અને એને છોડી દેવા જોઈએ. માત્ર બાર વરસની બાળકી મને જે સમજાવી ગઈ, તે કદાચ બીજું કોઈ મને સમજાવી શક્યુ નહીં. માત્ર દસ જ મિનિટમાં નિર્ણય કરી લીધો, કે હું સંકેતનું ઘર છોડુ છું. મા ની માનસિકતા હું સમજુ છું, પણ હું ક્યાં અભણ છું? બધું જ થઈ રહેશે, એવો મને સિદ્ધિએ દિલાસો આપ્યો છે. મારુ જીવન તો હું ગમે તે રીતે ત્યાં પૂરી કરી નાખત, પણ આ નાનકડી દીકરીને આવું ભવિષ્ય શું કામ આપવું?, કાલે ઉઠીને રુપિયાની અછત થાય તો એ ગમે તે સ્તરે જઈ શકે એમ છે! સંકેત ક્ષમાને યોગ્ય નથી, અને કદાચ જો હું અત્યારે એને ક્ષમા આપું, તો કદાચ આવતીકાલે મારી આ દીકરી સાથે કોઈ ગેર વર્તન થાય તો તે મને ક્ષમા આપશે?, એટલે બહુ લાંબુ વિચાર્યા વગર પણ એકદમ સાચો નિર્ણય મે લઈ લીધો, અને મને સિદ્ધિ દ્વારા ક્ષમાની નવી વ્યાખ્યા મળી.
મિત્રો આવી તો કેટલીય સોનલ હશે જે ભારતીય સંસ્કારોની બેડીને કારણે પોતાની સાથે થતાં અત્યાચારને ક્ષમા કરી ગૃહસ્થી બચાવતી રહે છે. પરંતુ આજની પેઢીના આ વિચારને પણ વંદન કરવા જોઈએ કે, દરેક વખતે ક્ષમા કરવું એ તેનાં અવગુણને પ્રોત્સાહન આપવા બરાબર છે. ભારતીય સંસ્કૃતિ ખૂબ જ મહાન છે, અને ક્ષમા પણ એક અતિ ઉચ્ચ ગુણ છે, પરંતુ જ્યાં આપણી પછીની પેઢીનું ભવિષ્ય જોખમાતું હોય ત્યારે આવા પગલાને પણ પરિવાર કે સમાજે આવકારવાની તૈયારી બતાવવી જોઈએ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર).

