New Delhi,તા.17
રેલવે ટ્રેનમાંથી મુસાફરોનાં સામાનની ચોરી થાય તો જવાબદારી રેલવેની બનતી હોવાનો ચુકાદો રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચે આપ્યો છે. મુસાફરને રૂા.4.7 લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.
મે 2017 માં અમરકંટક એકસપ્રેસમાં દુર્ગ સ્થિત દિલીપ ચતુર્વેદીએ મુસાફરી કરી હતી. ટ્રેનમાંથી 9.3 લાખની કિંમતનો સામાન ચોરાઈ ગયો હતો. આ અંગે રેલવે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. તેઓએ ગ્રાહક પંચમાં પણ વળતર માટે દાવો કર્યો હતો. ગ્રાહક પંચે વળતર આપવાનો ચુકાદો આપ્યો હતો.
રેલવેએ આ આદેશને રાજય ગ્રાહક પંચમાં પડકારતા દુર્ગ જીલ્લાના ગ્રાહક પંચનાં આદેશને રદ કરાયો હતો તે સામે ફરિયાદીએ રાષ્ટ્રીય પંચમાં રિવીઝન અરજી કરી હતી.
રીઝવર્ડ કોચમાં બહારની વ્યકિતઓનો પ્રવેશ રોકવામાં ટીટીઈ તથા પોલીસ સ્ટાફ બેદરકાર રહ્યો હતો અને એટલે સામાન ચોરાયાની દલીલ કરી હતી. સામાન ચેઈનથી બાંધીને પુરતી તકેદારી રાખી હોવા છતાં ચોરી થઈ હતી તે માટે રેલવેની બેદરકારી જવાબદાર છે.
રાષ્ટ્રીક ગ્રાહક પંચે ચુકાદામાં કહ્યું કે, મુસાફરના સામાનની ચોરી માટે રેલવે જવાબદાર છે.રેલવે સ્ટાફ પ્રવાસીને સેવા આપવામાં નિષ્ફળ રહ્યું છે.રિઝવર્ડ કોચમાં કિંમતી સામાન સાથે પ્રવાસ કરતાં મુસાફરો તથા તેના સામાનની કાળજી રાખવાની રેલવેની ફરજ બને છે.
રેલવે કાયદાની કલમ 100 હેઠળ રેલવે મારફત સામાનનું બુકીંગ કરાવીને રીસીપ્ટ લેવામાં આવી ન હોય તો તેની ચોરી, નુકશાન, કે નષ્ટ થવા માટે જવાબદારી ન હોવાની રેલવેની દલીલ ગ્રાહક કોર્ટે ફગાવી દીધી હતી. ફરીયાદીને માનસીક પીડા પેટે પણ રૂા.20,000 આપવા આદેશ કર્યો હતો.

