Rajkot,તા.01
મુંબઇના ખાર (વેસ્ટ) વિસ્તારમાં આવેલા ટોયોટા કંપનીના શોરૂમ બહાર પાર્ક કરેલી ફોરચ્યુનર કારની ચોરી કરનાર રાજકોટના દીપ રમણીકલાલ અઘેરા (ઉ.વ.૨૮, રહે. સર્વોદય એપાર્ટમેન્ટ, મવડી) અને તેના મિત્ર રાહુલ ગરીયા (રહે. યુનિવર્સિટી રોડ)ને મુંબઇ પોલીસે રાજકોટ ક્રાઇમ બ્રાંચની મદદથી ઝડપી લીધા હતા.
બંને આરોપીઓને લઇ મુંબઇની ખાર પોલીસ રવાના થઇ ગઇ છે. ખાર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, ગઇ તા.૨૫ની રાતે બંને આરોપીઓએ ફોરચ્યુનર કારની ચોરી કરી હતી. સીસીટીવી કેમેરાના આધારે બંને આરોપીઓની ઓળખ મળી ગઇ હતી, જેથી બંને આરોપીઓને પકડવા માટે ખાર પોલીસના પીઆઇ હનમંત કુમ્ભારેએ સ્ટાફના માણસો સાથે છેલ્લા ત્રણેક દિવસથી રાજકોટમાં ધામા નાંખીને બેઠી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાંચની મદદ લેતા તેના સ્ટાફે મહામુસીબતે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપી દીપ કારખાનું ધરાવે છે, જ્યારે આરોપી રાહુલ કોઇ કામધંધો કરતો નથી.
ખાર પોલીસના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, આરોપી દીપ માત્ર ફોરચ્યુનર કારની ચોરી કરે છે. તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં રાજકોટ, સુરત, ગોવા અને મુંબઇમાં પાંચ ગુના નોંધાયા છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી કારની ચોરી કરે છે. તેણે અને તેના મિત્રએ સોફ્ટવેરની મદદથી કારને અનલોક કરી હતી. ત્યારબાદ જીપીએસ સિસ્ટમને જામરની મદદથી જામ કરી દીધી હતી. સંભવતઃ વેચવા માટે કાર ચોરી કરતો હોવાની શક્યતા છે. આમ છતાં કાર ચોરી કરવા પાછળનો ચોક્કસ હેતુ તેની વધુ પૂછપરછ બાદ સ્પષ્ટ થશે.
આ પહેલાં ગોવા પોલીસની તપાસમાં એવું ખુલ્યું હતું કે, દીપ અને તેના મિત્ર હરપ્રિતે પ્રવાસી તરીકે ગોવા જઇ સેલ્ફ ડ્રાઇવમાં ફોરચ્યુનર ભાડે લીધા બાદ તેની ચોરી કરી હતી. તે વખતે તેણે ફેક આઇડીનો ઉપયોગ કરી અને કારમાં બોગસ નંબર પ્લેટ પણ લગાડી દીધી હતી.

