Mumbai,તા.21
નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે અમેરિકાની બજેટ ખાધ વધીને ૧.૮૩૩ ટ્રિલિયન ડોલર છે, જે કોરોના મહામારી બાદની સૌથી વધુ છે. દેશના દેવા પર વ્યાજની ચૂકવણી જ ૧ ટ્રિલિયન ડોલર કરતા વધુ થતા કુલ બજેટ ખાધમાં રેકોર્ડ વધારો થયો છે. આ સિવાય સામાજિક સુરક્ષા રિટાયરમેન્ટ કાર્યક્રમ, હેલ્થકેર અને સૈન્ય માટે ખર્ચમાં વધારો થતા બેલેન્સશીટ પર દબાણ વધ્યું હતુ.
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા વર્ષ માટેની ખાધ નાણાકીય વર્ષ ૨૦૨૩માં નોંધાયેલ ૧.૬૯૫ ટ્રિલિયન ડોલરથી ૮ ટકા અથવા ૧૩૮ અબજ ડોલર વધુ રહી છે. બજેટ ખાધનો આ આંકડો અમેરિકાના ઈતિહાસની ત્રીજી સૌથી મોટી ફેડરલ ખાધ હતી. સૌથી વધુ ખાધ કોરોના મહામારી સમયે રાહત કાર્યને કારણે ૨૦૨૦માં ૩.૧૩૨ ટ્રિલિયન ડોલર અને ૨૦૨૧ના નાણાંકીય વર્ષમાં ૨.૭૭૨ ટ્રિલિયન ડોલર રહી હતી.
જોકે આ વર્ષની બજેટ ખાધમાં ૩૩૦ અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે કારણકે યુએસ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ જો બિડેનના વિદ્યાર્થી લોન પ્રોગ્રામ સાથે સંકળાયેલા ૩૩૦ અબજ ડોલરના ખર્ચને અટકાવી દીધો છે. અન્યથા આ વર્ષે ખાધ ૨ ટ્રિલિયન ડોલરની ટોચે પહોંચી હોત.
ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં બજેટ ખાધ જો જીડીપીના અમુક બેસિસ પોઈન્ટ વધે-ઘટે તો દેશ પર રેટિંગનું જોખમ રહેલું હોય છે ત્યાં બજેટ ખાધ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના ૬.૪ ટકા સુધી પહોંચી ગઈ છે. એક વર્ષ બજેટ ગેપ દેશની જીડીપીના ૬.૨ ટકા હતું.
ઉંચા વ્યાજદરો અને ફાઇનાન્સ માટે વધુ દેવાના સંયોજનને કારણે ટ્રેઝરી ડેટ માટેના વ્યાજ ખર્ચમાં ૨૯ ટકાનો બમ્પર વધારો થયો છે અને તે ૧.૧૩૩ ટ્રિલિયન ડોલર થઈ છે. જોકે અમેરિકાના અધિકારીઓનો દાવો છે કે જીડીપીના હિસ્સા તરીકે વ્યાજ ખર્ચ હજી ૩.૯૩ ટકા પર પહોંચ્યો છે, જે ૧૯૯૧ના ૪.૬૯ ટકાના રેકોર્ડથી નીચે છે પરંતુ ડિસેમ્બર ૧૯૯૮ના ૪.૦૧ ટકા બાદની સૌથી વધુ ટકાવારી છે.
ફેડરલ ડેટ પર વેઇટેડ એવરેજ વ્યાજદર સપ્ટેમ્બરમાં ૩.૩૨ ટકા હતો, જે એક વર્ષ અગાઉ કરતા ૩૫ બેસિસ પોઈન્ટ્સ વધારે છે પરંતુ ઓગસ્ટના ૩.૩૫ ટકાથી ઓછો છે અને આ જાન્યુઆરી, ૨૦૨૨ બાદનો પ્રથમ માસિક ઘટાડો છે.

