ગતરોજ આવેલ સુપ્રીમ કોર્ટનો ચુકાદો કે સરકાર દરેક ખાનગી સંપત્તિનું અધિગ્રહણ ન કરી શકે, તે માત્ર એટલા માટે ઐતિહાસિક નથી કે તે નવ સદસ્યોની બંધારણીય પીઠ દ્વારા આપવામાં આવ્યો છે, બલ્કે એટલા માટે પણ છે, કારણ કે તેણે એ સમાજવાદી વિચારને અરીસો દેખાડ્યો, જેને સરકારોની નીતિ-રીતિનું અનિવાર્ય અંગ બનાવવાનું દબાણ રહેતું હતું. સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટનો આ ફેંસલો એ જડસુ સમાજવાદી અને ડાબેરી વિચારધારા માટે પણ ઝાટકો છે, જે એવો માહોલ બનાવી રહ્યા હતા કે દેશમાં ગરીબી અને અસમાનતા ત્યારે જ દૂર થઈ શકે છે, જ્યારે સરકાર સંપત્તિનું પુનઃવિતરણ કરવામાં સક્ષમ હોય અને તેને એ અધિકાર મળે કે તે કોઈની પણ સંપત્તિનું અધિગ્રહણ કરી શકે. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું કે સરકાર એક હદ સુધી જ આવું કરી શકે છે. પોતાના ચુકાદાથી સુપ્રીમ કોર્ટે એક રીતે એ પણ રેખાંકિત કરી દીધું કે કટોકટી સમયે બંધારણની પ્રસ્તાવનામાં સેક્યુલરિઝમની સાથે સમાજવાદ શબ્દ ઘૂસાડીને ભારતીય શાસન વ્યવસ્થામાં જે સમાજવાદી રીતભાતો અપનાવવાનું કામ કરવામાં આવ્યું, તે નિરર્થક હતું. આ નિરર્થકતાને એ લોકો પણ સમજે તો સારું, જેઓ સંપત્તિના સર્જન કરતાં વધુ મહત્ત્વ તેના પુનઃવિતરણ કરવાને આપે છે. આ દેશને સમૃદિ્ઘ તરફ લઈ જનારો રસ્તો નથી. હોઇ પણ ન શકે, કારણ કે દુનિયાભરનો અનુભવ એ જ દર્શાવે છે કે જે દેશોએ પોતાના લોકોની ભલાઈના નામે અતિવાદી સમાજવાદી રીતભાતો અપનાવી, તે આર્થિક રૂપે મુશ્કેલીમાં જ ઘેરાયા.
ખાનગી સંપત્તિ સંબંધી સુપ્રીમ કોર્ટના તાજા ચુકાદાએ લગભગ ચાર દાયકા જૂના એ ચુકાદાને ફગાવી દેવાનું કામ કર્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તમામ ખાનગી માલિકીનાં સંસાધનોને રાજ્ય દ્વારા અધિગ્રહિત કરી શકાય છે. એ સારું થયું કે સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરવાની આવશ્યકતા માની કે ઉપરોક્ત ચુકાદો એક વિશેષ આર્થિક અને સમાજવાદી વિચારધારાથી પ્રેરિત હતો. તેણે એ પણ રેખાંકિત કર્યું કે છેલ્લા કેટલાક દાયકામાં ગતિશીલ આર્થિક નીતિ અપનાવવાથી જ ભારત દુનિયામાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બન્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એ પણ ખબર પડી રહી છે કે દેશને કોઈ વિશેષ પ્રકારના આર્થિક દર્શનના દાયરામાં રાખવો ઠીક નથી અને આર્થિક રીતભાતો એવી હોવી જોઇએ, જેનાથી એક વિકાસશીલ દેશ રૂપે ભારત ઉભરતા પડકારોનો સામનો કરી શકે. આશા રાખીએ કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ખાનગી સંપત્તિ મામલે હવે તેને લઈને કોઈ શંકા નહીં રહે કે કયું સમુદાયનું સંસાધન છે અને કયું નહીં? કોઈપણ દેશ હોય, તેણે પોતાનું આર્થિક દર્શન દેશ, કાળ અને પરિસ્થિતિઓના હિસાબે અપનાવવું જોઇએ, નહિ કે એ હિસાબે કે જૂની પરિપાટી શું કહે છે? સમયની સાથે બદલાવ જ પ્રગતિનો આધારછે. એ સારું થયું કે સુપ્રીમ કોર્ટે આ આધારને મજબૂતી પ્રદાન કરી

