New Delhi,તા.08
વિધાનસભા ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરમાં ફરી શરૂ થયેલા આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદના સંગઠન કાશ્મીર ટાઈગર્સના આતંકીઓએ એક હુમલામાં ટાર્ગેટ કિલીંગમાં બે વિલેજ ગાર્ડની હત્યા કરી હતી. બીજી તરફ સોપોરમાં ગઈકાલ રાત્રીથીજ ત્રાસવાદીઓને ઘેરી લેવાયા હતા અને તેમાં બે ત્રાસવાદીઓને ઠાર મરાયા છે અને હજુ એન્કાઉન્ટર ચાલુ જ છે.
રાજયમાં ગત મહિને ઉમર અબ્દુલ્લા સરકારની શપથવિધિ બાદ ખીણક્ષેત્રમાં ફરી ત્રાસવાદે માથુ ઉંચકયુ છે અને ખાસ કરીને ટાર્ગેટ કિલીંગ ફરી શરૂ કર્યા છે. ગઈકાલે રાત્રીના કિશ્તવડમાં ત્રાસવાદીઓએ વિલેજ ગાર્ડ તરીકે કામગીરી કરતા નજીર અહમદ અને કુલદીપ કુમારે જ ગોળી મારી હત્યા કરી હતી.
આ બન્ને જંગલમાં તેમના ઘેટા ચરાવવા ગયા હતા અને પરત અહી આવતા તેમની શોધ ચાલુ કરવામાં આવી હતી. બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. આ હત્યાની જવાબદારી લેતા આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે દાવો કર્યો કે બન્ને લોકો સવારથીજ ‘મુજાહીદીન’ (ત્રાસવાદીઓ)નો પીછો કરી રહ્યા હતા અને તેમાં બહું નજીક આવી જતા તેઓને રોકીને પુછપરછ કર્યા બાદ બન્નેને મારી નંખાયા છે.
આતંકી સંગઠને દાવો કર્યો કે જેઓ વિલેજ ગાર્ડમાં સામેલ થાય છે તેઓને અમારી ચેતવણી છે. જેઓ વિલેજ ગાર્ડ બન્યા છે અથવા વિવાદ છે તેમનો અંજામ આ જ હશે. બીજી તરફ ગઈકાલ રાત્રીથીજ સોપોરમાં ત્રાસવાદીઓ સામે એક અભિયાન શરૂ કરાયું છે.
જેમાં બે આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી અને વધુ સામે કાર્યવાહી ચાલુ છે. સોપોરમાં ત્રણથી ચાર ત્રાસવાદીઓ છુપાયા હોવાના બાતમી પરથી આ એન્કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યુ હતું. સમગ્ર ક્ષેત્રને ઘેરી લેવાયા છે અને હજુ વધુ ટુકડીઓ મોકલવામાં આવી રહી છે.

