ગુજરાતમાં ૩૩ જિલ્લામાં સ્વ-સહાય જૂથો માટે ૩૩ સરસ મેળા યોજાયા; સ્વ-સહાય જૂથો દ્વારા રૂ. ૩૬૫ લાખથી વધુનું વેચાણ નોંધાયું
એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે, ગુજરાતની મહિલાઓ દરેક ક્ષેત્રે પુરુષો સાથે ખભે-ખભો મિલાવીને પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે. શહેરોમાં શિક્ષિત મહિલાઓ નોકરી અને વિવિધ વ્યવસાયો સાથે સંકળાઈને સ્વનિર્ભર બની છે. જ્યારે, ગામડાઓમાં વસતી મહિલાઓ ખેતી-પશુપાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને સ્વાવલંબી બની છે. તેમ છતાં, ગામડાની કેટલીક ગરીબ મહિલાઓનો એક વર્ગ આત્મનિર્ભર બનવા પ્રયાસરત હતો. આવી મહિલાઓને આત્મનિર્ભરતા તરફ દોરી જવાનું શુભ કામ ગુજરાત સરકારે કરી બતાવ્યું છે.
ગામડાની ગરીબ અને મહત્વકાંક્ષી મહિલાઓને સંગઠિત થઈને સ્વ-સહાય જૂથ એટલે કે, સખી મંડળની સ્થાપના કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરણા આપી હતી. આવા સ્વ-સહાય જૂથોને રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ સહાય આપીને સખી મંડળો સાથે જોડાયેલી મહિલાઓને પગભેર કરવાનો દેશમાં આ નવો પ્રયાસ ગુજરાત સરકારે કર્યો હતો. સખી મંડળોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી.ની સ્થાપના કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સંગઠિત કરીને કૌશલ્ય તાલીમ આપી આજીવિકાઓ સાથે જોડાણ કરીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ અત્યારે ગુજરાતમાં અનેક સ્વ-સહાય જૂથો કાર્યરત થઇ રહ્યા છે.
ગામડામાં વસવાટ કરતી ગરીબ કુટુંબની ઓછામાં ઓછી ૧૦ મહિલાઓ સંગઠિત થઇને સ્વ-સહાય જૂથની રચના કરી શકે છે. ગુજરાતમાં અત્યારે ૩૦ લાખથી વધુ ગરીબ કુટુંબની મહિલાઓએ ૩.૦૨ લાખથી વધુ સ્વ-સહાય જૂથની રચના કરીને આર્થિક ઉન્નતિનો નવો ઇતિહાસ લખ્યો છે. સખી મંડળ કાર્યરત થયાને ત્રણ મહિના પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા સખી મંડળને રિવોલ્વિંગ ફંડ તરીકે રૂ. ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ તેમજ છ મહિના પૂર્ણ થતા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે રૂ. ૧,૫૦,૦૦૦નું ભંડોળ આપવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ૨,૦૦,૨૯૭ સ્વ-સહાય જૂથોને રૂ. ૧૮૨.૧૫ કરોડ રિવોલ્વિંગ ફંડ તેમજ ૧,૨૮,૮૨૮ સ્વ-સહાય જૂથોને રૂ. ૭૫૩.૪૩ કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું છે.
આટલું જ નહિ, સ્વ-સહાય જૂથોને સરળતા અને તેમના ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવાની જરૂરિયાત મુજબ રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ રૂ. ૧,૦૦,૦૦ કેશ ક્રેડિટ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૧,૧૮,૦૦૦ સ્વ-સહાય જૂથોને રૂ. ૩૭,૬૬૭ કરોડની કેશ ક્રેડિટ આપવામાં આવી છે.
ગ્રામ્ય સ્તરે પાંચ જેટલા સ્વ-સહાય જૂથો એકઠા થઈને એક ગ્રામ સંગઠન(ર્ફં)ની તેમજ ૧૦ જેટલા ગ્રામ સંગઠનો એકઠા થઈને એક ક્લસ્ટર લેવલ ફેડરેશન(ઝ્રન્હ્લ)ની રચના કરી શકે છે. હાલ ગુજરાતમાં કુલ ૧૧,૧૫૧ ગ્રામ સંગઠનો અને ૯૨૩ જેટલા ક્લસ્ટર લેવલ ફેડરેશન કાર્યરત છે. ગ્રામ સંગઠનો અને ક્લસ્ટર લેવલ ફેડરેશનો વધુમાં વધુ મહિલાઓને રોજગારી પ્રદાન કરી શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકાર દ્વારા ર્ફં અને ઝ્રન્હ્લને પણ વિશેષ સહાય આપવામાં આવે છે.
ભારત સરકારના નિર્દેશ અનુસાર રાજ્યમાં ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. દ્વારા દર વર્ષે બે વાર “સરસ મેળા”નું આયોજન કરવામાં આવે છે. સરસ મેળામાં આશરે ૧૫૦ જેટલા સ્ટોલ તૈયાર કરીને સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત કરેલી ચીજ-વસ્તુઓનું વેચાણ કરવા માટે એક યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પ્રાદેશિક સરસ મેળાઓનું આયોજન કરીને સ્વ-સહાય જૂથોને રાજ્ય સરકાર મદદરૂપ થઇ રહી છે. આ વર્ષે ૩૩ જિલ્લામાં ૩૩ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વ-સહાય જૂથો દ્વારા કુલ રૂ. ૩૬૫ લાખથી વધુનું વેચાણ નોંધાયું હતું.
સ્વ-સહાય જૂથની રચના કરીને ગામડાની મહિલાઓએ વિકાસની જે ગતિ પકડી છે, તે જોતા ચોક્કસ પણે કહી શકાય કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ’વિકસિત ભારતજ્ર૨૦૪૭’ના નિર્માણમાં ગ્રામીણ નારીશક્તિનું યોગદાન મહત્વપૂર્ણ પૂરવાર થશે.
સ્વ-સહાય જૂથોના બેંક સાથેના વ્યવહારોને સરળ બનાવવા માટે જૂથ અને બેંકની વચ્ચે મધ્યસ્થ કડી તરીકે સ્વસહાય જૂથ પૈકીની જ એક મહિલા સભ્યને “બેંક સખી” તરીકે નિમણૂક આપવામાં આવે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૩,૩૪૩ બેંક સખીઓની નિમણૂંક કરવામાં આવી છે.
વળી, સ્વ-સહાય જૂથો સાથે સ્થાનિક સ્તરના બેંક વ્યવહારોને સરળ બનાવવા અને ૨૪ કલાક બેંકિંગ સુવિધા પૂરી પાડવા માટે “બૅન્કિંગ કોરોસ્પોન્ડસ સખી”ની પણ નિમણૂક કરવામાં આવે છે. જેમાં પણ સ્વ-સહાય જૂથની કુલ ૪,૮૦૦ મહિલાઓની બૅન્કિંગ કોરોસ્પોન્ડસ સખી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ બૅન્કિંગ કોરોસ્પોન્ડસ સખીને ૬ મહિના સુધી મહીને રૂ. ૪,૦૦૦ પ્રોત્સાહન રકમ અને માળખાકીય સુવિધા માટે કોઇપણ વ્યાજ વગર રૂ. ૭૦,૦૦૦ની લોન પણ ગ્રામ સંગઠન દ્વારા આપવામાં આવે છે.

