હરિયાણાના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ કે જે છસ્સો એકર વિસ્તારમાં પથરાયેલું છે ત્યાં આયોજીત ૭૭મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના પ્રથમ દિવસે સમગ્ર માનવતાના નામે સંદેશ આપતાં સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજે કહ્યું હતું કે “પરમાત્મા જાણવા યોગ્ય છે,જ્યારે અમે તેને જાણીને અમારા જીવનનો આધાર બનાવી લઇએ છીએ ત્યારપછી જ સહજરૂપમાં અમારા જીવનમાં માનવીય ગુણોનો વિસ્તાર થાય છે.” આ ત્રિદિવસીય સંત સમાગમમાં સમગ્ર ભારત તથા વિશ્વના સિત્તેર કરતાં વધુ દેશોમાં વસતા આઠ લાખથી વધુ શ્રદ્ધાળુ ભક્તજનો ભાગ લઇ સંત સમાગમનો ભરપૂર આનંદ લઇ રહ્યા છે.
સતગુરૂ માતાજીએ વિશાળ સત્સંગના રૂપમાં એકત્રિત થયેલા તમામ સંતોને સંબોધતા કહ્યું કે વાસ્તવિક સ્વરૂપમાં ‘અસીમની તરફ વિસ્તાર’ તે એક અંદરથી બહારની દિવ્ય યાત્રા છે.ઘણીવાર મનમાં તણાવ તથા હૃદય અને મન વચ્ચે તાલમેલની વાત કરવામાં આવે છે.વાસ્તવમાં મન અને મસ્તિષ્ક બંને સાથે હોય છે પરંતુ ક્યારેક મન કંઈક બીજું ઈચ્છે છે અને મસ્તિષ્ક કંઈક બીજું જ વિચારે છે પરંતુ જ્યારે આપણે આ પ્રભુ પરમાત્મા સાથે જોડાઈ જઇએ છીએ ત્યારે મનમાં સ્થિરતા આવે છે અને એકત્વનો ભાવ ઉત્પન્ન થાય છે અને પછી મન વિશાળ બની જાય છે.
અંતમાં સતગુરૂ માતાજીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે યુગો-યુગોથી સંતો-પીરોએ આ જ સંદેશ આપ્યો છે કે અમારે અમારી આધ્યાત્મિક યાત્રાની સાથે સાથે માનવતા માટે ઉપયોગી બનવાનું છે.પ્રભુ પરમાત્મા દ્વારા પ્રદાન કરેલી ચીજવસ્તુઓ તથા મનુષ્યએ જે આવિષ્કાર કરેલ છે તેનો સદુપયોગ કરીને આ ધરતીને વધુ સુંદર બનાવવાની છે.
સંત સમાગમના સ્થળ ઉપર આગમન થતાં જ સંત નિરંકારી મંડળની કાર્યકારિણી સમિતિના સદસ્યો, તથા અન્ય અધિકારીઓ દ્વારા ફુલમાળા તથા પુષ્પગુચ્છથી સતગુરૂ માતાજી તથા નિરંકારી રાજપિતાજીનું સ્વાગત કરીને મુખ્યમંચ સુધી એક ભવ્ય શોભાયાત્રાના રૂપમાં લઇ જવામાં આવ્યા હતા.આ શોભાયાત્રામાં નિરંકારી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક એન્ડ આર્ટ્સના ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ નૃત્ય તથા સંગીતના માધ્યમથી દિવ્ય યુગલનું અભિવાદન કર્યું હતું.
પુષ્પોથી સુશોભિત ખુલ્લી પાલખીમાં વિરાજમાન થઇને આ દિવ્ય યુગલ ભક્તોને પાવન આશીર્વાદ આપી રહ્યા હતા તથા ત્યાં હાજર તમામ શ્રદ્ધાળુ ભક્તો પ્રેમાઅશ્રુથી હાથ જોડીને ભક્તિભાવથી તેમનું સ્વાગત કરી રહ્યા હતા.દિવ્યતાનું આ અનોખું દર્શન સાચા અર્થમાં મિલવર્તનની સુંદર ભાવનાની અનુભૂતિ કરાવતું હતું,જેમાં દરેક ભક્ત પોતાની જાતિ,ધર્મ અને ભાષાને ભૂલીને ફક્ત પ્રેમાભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા.
આ વર્ષે યોજાયેલ ૭૭મા વાર્ષિક સંત સમાગમનું શિર્ષક “વિસ્તાર અસિમની તરફ..” આપવામાં આવ્યું છે.જેના ઉપર આધારીત નિરંકારી પ્રદર્શની તમામ સંતો-ભક્તોના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.આ પ્રદર્શનીને મુખ્ય ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવી છે.જેના પ્રથમ ભાગમાં સંત નિરંકારી મિશનના પુરાતન ભક્તોનો ઇતિહાસ,વિચારધારા,સામાજીક ગતિવિધિઓ તથા સદગુરૂ દ્વારા દેશ અને વિદેશમાં કરવામાં આવેલી કલ્યાણકારી પ્રચારયાત્રાઓની પર્યાપ્ત જાણકારી આપવામાં આવી છે.બીજા ભાગમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સ્વાસ્થ્ય અને સમાજકલ્યાણ વિભાગની તમામ ગતિવિધિઓ દર્શાવવામાં આવી છે.ત્રીજા ભાગમાં બાળકો માટે પ્રદર્શની ઘણા વ મનમોહક અને પ્રેરણાદાયકરૂપમાં નાના બાળકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે.

