New Delhi,તા.19
મહારાષ્ટ્રની 288 તથા ઝારખંડમાં બીજા તબકકાની 38 બેઠકો માટે આવતીકાલે યોજાનારા ચૂંટણી મતદાન પુર્વે રાજકીય માહોલમાં ઉતેજના સર્જાઈ છે બન્ને રાજયોમાં ગઈ સાંજથી જ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા. ચૂંટણી પક્ષ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.
આવતીકાલે મતદાન થશે.તા.27 નવેમ્બરે બન્ને રાજયોનાં પરિણામો જાહેર થશે. મહારાષ્ટ્રમાં મહાયુતિ તથા મહાવિકાસ અઘાડી વચ્ચેનો જંગ છે. બન્ને રાજકીય જોડાણ ધરાવતી યુતિઓએ ખેડુતોથી માંડીને બેરોજગારો આમ આદમી માટે વચનોનો વરસાદ વરસાવ્યો હતો. ત્યારે મતદારો પર તેનો કેવો પ્રભાવ હશે તે મહત્વનું નિર્ણાયક રહેશે.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે તથા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો માટે બુધવારે યોજાનારા મતદાન માટે આજે બંને રાજ્યોમાં ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થયા હતા. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-શિવસેના યુબીટી અને એનસીપી-એસપીની બનેલી મહાવિકાસ આઘાડી અને ભાજપની આગેવાની હેઠળની શિવસેના-શિંદે અને એનસીપી અજીત પવારની મહાયુતિ સત્તા હાંસલ કરવા આમને સામને ચૂંટણી લડી રહ્યા છે.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સમૃદ્ધિ માર્ગ અને મુંબઇ મેટ્રોના વિકાસકાર્યો અને લાડકી બહિન યોજનામાં અપાતી રકમ વધારવાના તથા મહારાષ્ટ્રને એક ટ્રિલિયન ડોલરની ઇકોનોંમી બનાવવાના વચનો ચૂંટણી પ્રચારમાં આપ્યા છે. મહાયુતિને વિકાસતરફી દર્શાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં સઘન પ્રચાર કર્યો છે.
બીજી તરફ મહાવિકાસ આઘાડીએ મહાયુતિના ગેરશાસન, ભ્રષ્ટાચાર, વધતું જતું દેવું તથાખડૂતો અને હાંસિયામાં ધકેલાઇ ગયેલાં સમુદાયોની ઉપેક્ષાના મુદ્દાને આગળ કર્યા છે. શરદ પવાર, રાહુલ ગાંધી અને ઉદ્ધવ ઠાકરેએ તેમના પ્રચારમાં પાક વીમા લોન માફી, જાતિ ગણતરી અને અનામતની મર્યાદા વધારવા જેવા મુદ્દા પર ભાર મુક્યો હતો.
મહારાષ્ટ્રમાં બુધવારે 9.70 કરોડ મતદારો 1,00,186 મતદાનમથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરી 158 પક્ષો ના તથા અપક્ષો મળી કુલ 4,136 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. બીજી તરફ ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 38 બેઠકો પર ચૂંટણી લડી રહેલાં 528 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.
ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્ય પ્રધાન હેમંત સોરેન સામે ભાજપના બાબુલાલ મરાંડી ચૂંટણી લડી રહ્યા છે. બીજી મહત્વની ચૂંટણી અમર બાઉરી અને સુદેશ મહતો વચ્ચે થશે. 2019ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ બેઠકો પર પ્રભૂત્વ ધરાવનારો ઝારખંડ મુક્તિ મોરચો ઇન્ડિયા બ્લોકના ટેેકા સાથે આ બેઠકો પર તેની પક્કડ જાળવી રાખવા મથશે.
તો ભાજપની આગેવાની હેઠળ એનડીએ પુનરાગમન કરવાની આશા સાથે ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડમાં બીજા તબક્કાના મતદાનમાં 1.23 કરોડ મતદારો 14,218 મતદાનમથકે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. બંને રાજ્યોમાં પ્રચારનો અંત આવવા સાથે મતદારો હવે આખરી નિર્ણય લઇ તેમના નેતાઓને ચૂંટવા સજ્જ બનશે.

