સરોજ વાઘેલા. હા નમણો ચહેરો. હસતી તો ગાલમાં ખંજન પડતાં. થોડી શ્યામ હતી. પણ *નમણાશ* અને *સાદગી* એના રૂપને વધુ *નિખાર* આપતી. તેમાં તેની સાડી પહેરવાની સ્ટાઇલ તેના સૌંદર્યને વધું ઉજળી બનાવતી. *નીરવ* તેને રોજ આર્ટસ કોલેજના ગેઇટ પર, હાથમાં રાખેલ પુસ્તકોને છાતી સાથે ચાંપી ઊભી રહેતી *નીરખતો*. નીરવ પણ કોલેજ એકટીવા પૂરબહારમાં ચલાવી આવતો. પણ કોલેજ ગેઇટ પર તેનું વાહન સાવ ધીમું પડી જતું. ને આ રુપમાં ખોવાઇ
જતો. તેણે જોયું, સરોજ કોઇની રાહ જોઇ ઉભી હતી. પણ તેણે વાહન અંદર લીધું. પણ વાતની શરૂઆત બે માંથી કોઇ કરી શકેલ નહી. સમય પણ આ રાહમાં *પસાર* થઇ ગયો. કોલેજના બીજા *વર્ષના સેમેસ્ટરમાં* એક દિવસ નીરવ બજારે જતો હતો. તેની નજર રસ્તામાં ચાલી જતી સરોજ પર પડી. તેણે વાહન તેની નજીક જઇને ઊભું રાખ્યું.
” હલ્લો, હું નીરવ શાહ. ઓળખાણ પડી?”
” તમને *કેમ* ન ઓળખું! ને વળી ઉષા મારી ખાસ સહેલી છે.”
” ઓહ! ત્યારે તો તમે મારા વિશે બધું જ જાણતા હશો નહીં?!”
” જી, બધું તો નહીં. હા, તમે સારી કવિતા લખો છો. તમારી કવિતા હું ને ઉષા લાયબ્રેરીમાં જઇને મેગેઝીનમાં *વાંચતા* હોઇએ છીએ.”
” ઓહ! તમારૂં નામ સરોજ. સરોજ વાઘેલા, રાઇટ?”
” જી, સાચું…”
” કયાં જતા હતાં, ઘરે?” નીરવ બોલ્યો.
” જી, હા.”
” તો ચાલો, હું મૂકી જાઉં.”
” અરે ના! તમને થોડી તકલીફ દેવાની. હું ચાલી જઇશ.”
” એમાં તકલીફ શું! આપણે મિત્ર કહેવાઇએ.”
” પણ… અચ્છા, ચાલો ત્યારે..”
” યે હૂઇ ના બાત! “, કહી નીરવે એકટીવાને કીક મારી. સરોજ પાછલી સીટમાં ગોઠવાઈ ગઇ.
” ક્યાં રહો છો તમે સરોજ?”
“વાસમાં…”
ત્યાં વાહનને જાણે ઝાટકો લાગ્યો, જે સ્પીડમાં જતું તે થોડું ધીમું થઇ ગયું.
” કેમ આંચકો લાગ્યોને નીરવ?!” પછી થોડીવાર તે મૌન રહી. પછી બોલી “મારી પહેલી મુલાકાતમાં ઉષાને આંચકો લાગ્યો હતો.”
” ના, મને આંચકો નથી *લાગ્યો*”, કહીને નીરવે એક હોટલ પાસે જઈને વાહન ઉભું રાખ્યું.
“નીરવ અહીં?”
” કોફી પીતાં પીતાં આપણા પરિચયને થોડો વિશાળ કરીએ”, કહી તે સરોજનો હાથ ઝાલીને હોટલની અંદર *ફેમિલી* પાર્ટમાં લઇ ગયો. બન્ને એક ટેબલ પર ગોઠવાઈ ગયા. નીરવે બે કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો. પછી સરોજને પૂછ્યું, “તારે કંઈ ખાવું છે?”
” તમે જે મંગાવો તે.”
નીરવે ફ્રુટ જેલી બ્રેડ સ્લાઇસનો ઓર્ડર પણ સાથે આપી દીધો. પછી સરોજનો હાથ હાથમાં લઈ બોલ્યો, ” જો સરોજ, મને વધુ બોલવું બહુ ફાવતું નથી. છતાં આજે તને મારા દિલની વાત કરૂં છું. હું તને ખૂબ જ ચાહું છું. પણ…” હજુ આગળ બોલે એ પહેલાં જ સરોજ બોલી, ” મને ખબર છે.”
” એટલે ઉષાએ તને… “, નીરવ બોલ્યો.
” ના, મારે ને ઉષાને આ વિષે કયારેય વાત નથી થઇ. હા, અમારી વચ્ચે તમારી કવિતાને લઇને વાત થતી હોય. પણ… “, પછી તે અટકી.
થોડું પાણી પીધું પછી બોલી, “કોલેજના ગેઇટ પાસે તમે જે રીતે મને જોવો છો, ચાલુ પીરીયડમાં પણ તમારું ધ્યાન મારી તરફ વધુ હોય છે. લાયબ્રેરીમાંય આ બધું હું બે વર્ષથી જોતી આવી છું. તમારી આંખોમાં મને એ સ્પષ્ટ દેખાય આવે છે. પણ આજે તમે હિંમત કરી.” એ વધુ બોલે તે પહેલા વેઇટર આવીને કોફી ને નાસ્તો મૂકીને ગયો.
” સરોજ..”, નીરવ બોલે એ પહેલા જ સરોજે હાથનો ઇશારો કરીને ચૂપ રહેવાનું કહ્યું ને બોલી,
” જો નીરવ, હું સાવ સામાન્ય કુટુંબમાંથી આવું છું. મારા પિતાજી હવે નથી રહ્યાં. તમને અમારા સમાજની તો ખબર હોવી જોઈએ. પિતાને પીવાની આદત હતી. જે તેમની દુશ્મન બની. મારી બા એક સફાઈ કામદાર તરીકે કામ કરે છે. ને મારા ભણતરનો ભાર ઉપાડી રહી છે. તેણે મારા માટે બહુ ઊંચા સપના સેવેલ છે. તમારી મારા માટેની લાગણી જોઈ મને માન છે. પણ… “, ત્યાં નીરવ બોલ્યો,
” પણ શું? પણ બોલો સરોજ.”
” જો નીરવ, મારી કરતા પણ સુંદરતામાં ચડે એવી એક કરતાં અનેક યુવતીઓ આપણી કોલેજમાં છે. તમો..”
” છે, ઘણીય છે! પણ તેમાં કોઈ સરોજ નથી તેનુ શું?!” નીરવ બોલ્યો.
” નીરવ, તમે સમજો ને તમે ધારો એટલું આ સહેલું નથી. આ સમાજ આપણને પીંખી નાખશે. તમારા કુટુંબની પરંપરાને હું બરોબર ઓળખું છું. ઉષા..” તે બોલે તે પહેલા જ નીરવ બોલ્યો, ” ઉષા મારી બહેન ખરી, પણ મારી ફૈઇબાની દીકરી બહેન થાય. ને તું તેની વાતમાં… “
” હું કોઈની વાતમાં નથી નીરવ. હું વાસ્તવિકતા જાણું છું. તેથી જ તમને ચેતવું છું. પછી પાછળની જિંદગી બહુ અઘરી થઇને રહેશે એટલે…”
” સરોજ, સમાજને જવા દો! મારા માટે તારો નિર્ણય વધુ *જરૂરી* છે. તેના પર મારી જિંદગી છે. બોલ સરોજ, તું શું કહે છે?” ને સરોજનો હાથ પોતાના હાથમાં લઇને દબાવે છે.
“બોલ સરોજ, બોલ!”
” હું શું બોલું?! હું પણ દિલ પાસે મજબૂર છું. પણ આ સમાજ આપણને એક નહીં થવા દે, નીરવ.”
” અરે, સમાજની તો એસી તેસી. તું મારી સાથે છો તો બસ!” કહી બીલ ચૂકવીને બન્ને બહાર નીકળી ગયા. ચોમાસાના દિવસો હતાં. આકાશમાં કાળા ઘટાદાર વાદળો છવાઇ ગયાં હતાં.
” નીરવ, લાગે છે હમણાં વરસાદ આવશે. જો પવન પણ પડી ગયો છે. મને જલદી તું મૂકી જા ચાલ.”
” હા, ચાલ.” કહીને તેણે એકટીવા ચાલુ કરી. સરોજ પાછળ બેઠી, પણ આ શું નીરવ વાસ તરફ જવાને બદલે બીજી તરફ રવાના થયો.
નીરવ આમ કયાં જાય છે? જો હમણાં વરસાદ આવશે તો?!” તે નીરવના *ખભા* પર હાથ મારતી બોલી.
હું પણ ઇચ્છું છું કે, વરસાદ આવે. મારા પ્રેમનો પહેલો વરસાદ મારે તારી સાથે માણવો છે.” નહીં, નીરવ તું લુચ્ચો છે”, કહીને તેણે નીરવના *ખભા* પર માથું મૂકી દીધું. નીરવ પૂર સ્પીડમાં વાહન શહેરની બહાર લઇને નીકળી ગયો. ત્યાં તો અનરાધાર વરસાદ વરસી રહ્યો. નીરવને હવે આગળનું કંઇ ન *દેખાતું* હોવાથી તેણે એક ઝાડની નીચે *વાહન ઊભું* રાખ્યું. તે સરોજને તાકી રહ્યો. વરસાદમાં તે સાવ ભીંજાઈ ગઇ હતી. તેના વસ્ત્રોમાંથી તેનું યૌવન ટપકતું દેખાય છે. નીરવ ધીમું ધીમું હસતો હતો. સરોજનો ચહેરો શરમથી લાલ થઇ ગયો હતો. તેણે નીરવની સામું જોયું ને બોલી,”લુચ્ચો!”
નીરવને પણ અચાનક શું સુઝયું, તેણે સરોજને પોતાના બાહુપાશમાં ખેંચી ભીડી દીધી. ચાર હોઠનો સંગમ થયો.
આખરે સરોજની વાત સાચી પડી. સમાજની *દિવાલને* તોડવાની નીરવની શકિતને તેની મા પાસે *ઝૂકવું* પડ્યું. *પ્રોફેસર* થઇ શકે તેમ હતો, છતાં એક મામુલી *ક્લાર્કની* નોકરી સ્વીકારી, તે આદિવાસી ઇલાકામાં આવી, જીવન ગુજારવા મજબૂર બની ગયો. લગ્ન પહેલા સરોજને મળ્યો. પણ તેણે કોઈ ફરિયાદ ન કરી. આજે પણ નીરવ તેના પહેલા વરસાદને યાદ કરે છે.
આજે વીસ વરસના સમય બાદ નીરવ પોતાના વતનમાં આવ્યો. સાંજના સમયે તે રેલ્વેસ્ટેશને ફરવા આવેલ. આજે પણ ચોમાસાના દિવસો હતાં. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જાય છે. તેણે જોયું દૂર બાકડા પર કોઈ ઓરત સફેદ સાડીમાં બેઠી હતી. તેના હાવભાવથી તે તેને ઓળખી જાય છે. સરોજ, તે પણ સફેદ સાડીમાં, અને અહીં! પણ પછી યાદ આવ્યું, વાસ અહીંથી સાવ નજીકમાં જ છે. સરોજને રેલ્વેસ્ટેશનની જગ્યા ગમતી. તે લગભગ દોડીને નજીક જાય છે.
સરોજ, તું આ.. તે વધુ કાંઇ બોલી નથી શકતો. સરોજની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. તે ઊભી થઇને તેના વાસ તરફ રવાના થાય છે. ત્યાં તો અનરાધાર વરસાદ વરસી પડે છે
● ફિરોઝ હસ્નાણી.અમરેલી:૩૬૫ ૬૦૧. મો.નં.:૯૯૦૪૦૬૧૩૨૦

