૨૦૨૪ના વર્ષમાં ભારત તથા બ્રિટન બન્ને દેશોમાં ચૂંટણીઓને કારણે અટકી પડેલી મુકત વેપાર કરાર વાટાઘાટ હવે ૨૦૨૫માં ફરી શરૂ કરવા બન્ને દેશો તરફથી જાહેરાત આવી પડી છે. બ્રાઝિલમાં જી-૨૦ પરિષદ વેળાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા બ્રિટનના તેમના સમોવડિયા કેર સ્ટારમર વચ્ચેની બેઠક બાદ આ જાહેરાત આવી પડી હતી.
બન્ને નેતાઓ વચ્ચે આ પ્રથમ બેઠક હતી. બન્ને દેશો વચ્ચે સમાધાન માટે બાકી પડેલા મુદ્દાઓ વેળાસર ઉકેલવા પર બેઠકમાં ભાર અપાયો હતો. ભારત તથા યુકે વચ્ચે ૨૦૨૨ના જાન્યુઆરીથી મુકત વેપાર કરાર સંદર્ભમાં વાતચીત ચાલી રહી છે. પરંતુ બ્રિટનમાં રાજકીય મડાગાંઠને કારણે ૨૦૨૨માં કરાર થઈ શકયા નહોતા.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહનસનના સ્થાને સત્તા પર આવેલા રુષી સુનક અને ભારત સરકાર વચ્ચે કરાર સંદર્ભમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી હતી, પરંતુ બન્ને દેશોમાં ૨૦૨૪માં ચૂંટણીને કારણે કરાર ઢીલમાં પડી ગયા છે. વાટાઘાટનો અંતિમ દોર વર્તમાન વર્ષના માર્ચમાં યોજાયો હતો. યુકે ભારતનું ૧૪મું મોટું વેપાર ભાગીદાર છેઅને ચોથી મોટી નિકાસ બજાર છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં બન્ને દેશો વચ્ચે ૧૧.૫૦ અબજ ડોલરનો દ્વીપક્ષી વેપાર થયાનો પ્રાપ્ત આંકડામાં જણાવાયું છે.
વર્તમાન વર્ષના ઓકટોબરમાં ભારતની માલસામાનની નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૭.૩૦ ટકા વધારો થયો છે જે સપ્ટેમ્બરમાં માત્ર અડધો ટકો વધી હતી અને જુલાઈ – ઓગસ્ટમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારત ખાતેથી માલસામાનની નિકાસમાં અપેક્ષા પ્રમાણે અથવા તો સંતોષકારક કહી શકાય તેવી પ્રગતિ જોવા મળતી નથી . ભારત માટે મહત્વના એવા વેપાર મથક યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) સાથેના મુકત વેપાર કરારની પ્રક્રિયા જે ૨૦૨૩માં પૂર્ણ થઈ જવાની અપેક્ષા રખાતી હતી તે પરિપૂર્ણ થતી નથી અને એક યા બીજા કારણસર લંબાતી જાય છે. ચોક્કસ પ્રકારના માલસામાન તથા સેવાઓને વ્યાપક બજાર જોડાણ પૂરા પાડવા સંદર્ભમાં પ્રવર્તતા મતેભેદો દૂર કરવામાં ઘણો જ સમય નીકળી ગયો છે. કેટલાક મહત્વના મુદ્દાને લઈને સહમતિ નહીં સધાતા અત્યારસુધી કરાર શકય બન્યા નથી. હવે ૨૦૨૪ પણ સમાપ્ત થવા આવ્યું છે અને બન્ને દેશોના નેતાઓએ ૨૦૨૫માં વાટાઘાટ ફરી શરૂ કરવા નિર્ણય કર્યો છે. વિકસિત દેશો સાથે વેપાર કરાર કરીને ચીન સાથેના વેપાર ઘટાડવા ભારત સરકાર સતત પ્રયત્નો કરી રહ્યું છે. બ્રિટન સાથે વેપાર કરારમાં ધીમી ગતિથી તેનું નુકસાન બ્રિટન કરતા ભારતને વધુ થઈ રહ્યું છે. વેપાર કરારમાં આગળ વધતા પહેલા દેશના ખેડૂતો, ઉદ્યોગો તથા ઉપભોગતાઓને કોઈપણ રીતે હાનિ ન પહોંચે તેની ભારતના શાસકો ખાતરી રાખી રહ્યા હોવાને કારણે પણ કરારમાં ઢીલ થઈ છે.
સ્ટીલ, ટેકસટાઈલ્સ તથા રસાયણ જેવી મહત્વની નિકાસમાં ચીન ભારતનું સૌથી મોટું હરિફ રહ્યું છે. નિકાસમાં વૈવિધ્યતા લાવવાના અથવા વધુને વધુ ઉત્પાદનોને નિકાસ બજારમાં સ્થાન અપાવવાના દરેક પ્રયાસ છતાં ભારતની માલસામાનની નિકાસ અપેક્ષા પ્રમાણે વધતી નથી. ભારતે જે દેશો સાથે મુકત વેપાર કરાર કર્યા છે તેમાં પણ અપેક્ષિત પરિણામો જોવા મળતા નથી, ત્યારે ખરા પ્રકારના વેપાર કરાર આજની તાતી જરૂર છે જે બ્રિટન સાથે હવે પછી થનારી વાટાઘાટમાં પરિપૂર્ણ કરવી રહી.કોરોનાની અસર અને ત્યારબાદ રશિયા-યુક્રેન તથા ઈઝરાયલ-ઈરાનયુદ્ધને પરિણામે બદલાઈ ગયેલા વૈશ્વિક વેપાર વાતાવરણને ધ્યાનમાં રાખતા અને યુરોપમાંથી છૂટા થયા બાદ યુકે સાથેના વેપાર કરાર ભારત માટે નિકાસ વધારવા ઘણા જ મહત્વના સાબિત થઈ શકે છે. ખાસ કરીને યુરોપમાં પોતાની બજાર ઊભી કરવામાં આ કરાર ભારત માટે પ્રવેશદ્વાર બની શકે છે. માત્ર યુરોપ જ નહીં પરંતુ પશ્ચિમના કેટલાક દેશોની બજારમાં પ્રવેશ માટે અથવા તો જ્યાં ભારતની હાજરી છે અને જે દેશો સાથે મુકત વેપાર કરાર થયેલા છે તેમની સાથે સ્થિતિ વધુ મજબૂત બનાવવા ભારત માટે બ્રિટન સાથે કરાર જેટલા ઝડપથી થાય તેટલા વધુ ફાયદાકારક બની શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ચીન સાથે વેપાર કરવામાં વિશ્વના દેશોમાં નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે. બીજા શબ્દોમાં કહીએ તો યુકે સાથેના કરાર ભારત માટે નિકાસ બજારમાં હિસ્સો વધારવા માર્ગ બની શકે છે.

