New Delhi, તા.05
ઉત્તર પ્રદેશમાં સંભલમાં મસ્જિદ-મંદિર વિવાદ થયેલા તોફાનો બાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી આજે સંભલ જવા માટે દિલ્હીથી રવાના થયા બાદ તેમના કાફલે ગાઝીયાબાદ બોર્ડર પાસે અટકાવી દેવાયા હતા. અને લગભગ ત્રણ કલાક સુધી પોલીસ સાથે ઉગ્ર રીતે ચર્ચા બાદ અંતે બંને નેતાઓને દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
આ દરમ્યાન કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે જબરી અથડામણ થઇ હતી. દસ દિવસ માટે સંભલપુરમાં બહારના કોઇપણ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો હોવાથી ગઇકાલે સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવ સહિતના નેતાઓને પણ સંભલમાં પ્રવેશ અપાયો ન હતો અને તેમ છતાં પણ આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી બંને કોંગ્રેસના સેંકડો કાર્યકર્તાઓ સાથે સંભલ જવા રવાના થયા હતા.
અગાઉથી જ રાજ્ય સરકારે ગાઝીયાબાદ સરહદ પાસે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે પૂર્ણ રીતે બંધ કરી દીધો હતો અને દિલ્હી-યુપી બોર્ડર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગઇ હતી. ઉત્તર પ્રદેશ સરકારે અહીંના યુપી ગેટ પર ભારે સુરક્ષા અને બેલીકેડ મુકી દીધા હતા.
અહીં રાહુલ ગાંધીનો કાફલો પહોંચતા જ જિલ્લા પોલીસ વડાએ આગળ વધવાની કોઇને મંજુરી નહીં હોવાનું જણાવીને કાફલાની આડે પોલીસ વાન અને અન્ય વાહનો ખડકી દીધા હતા અને રાહુલ ગાંધીને પરત દિલ્હી જવા વિનંતિ કરી હતી પરંતુ રાહુલ અને પ્રિયંકા ગાંધી આગળ વધવા માટે અને સંભલ પહોંચવા અડગ રહ્યા છે અને અહીં કાફલા સાથે અડીંગો જમાવી દીધો છે.
બીજી તરફ કોંગ્રેસના સેંકડો કાર્યકર્તાઓએ બેડીકેડ તોડીને આગળ વધવા પ્રયત્ન કરતા પોલીસે તેમને બળ પ્રયોગ કરીને રોક્યા હતા અને થોડી ઝપાઝપી કરી હતી જો કે ઉત્તર પ્રદેશ પોલીસે મક્કમ રીતે રાહુલ તથા પ્રિયંકાના કાફલાને આગળ વધવા નહીં દેવાનો સંકેત આપી દીધો હતો અને બંને નેતાઓને દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
ગઇકાલે લોકસભામાં પણ આ મુદ્દે ધમાલ મચી હતી પરંતુ ઉત્તર પ્રદેશ સરકારે સંભલમાં જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણ શાંત ન થાય ત્યાં સુધી બહારના કોઇપણ નેતાઓને પ્રવેશ નહીં અપાય તેમાં મક્કમ હોવાનું જાહેરાત કરીને રાહુલ ગાંધીને પણ આગળ વધવા નહીં જવાય તે નિશ્ચિત કરી લીધું હતું.
સંભલ જવા માટે દિલ્હીથી રવાના થયેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીના કાફલાને ગાઝીયાબાદ સરહદ પાસે રોકાતા રાહુલ ગાંધી પોલીસ કહે તે રીતે સંભલ જવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ અહીં જિલ્લા પોલીસ વડા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે હું પોલીસવાનમાં પણ સંભલ જવા તૈયાર છું.
પરંતુ પોલીસે કોઇપણ રીતે તેમને આગળ વધવા નહીં દેવાય તેવું જણાવી દીધું જો કે રાહુલની સાથે તેની સુરક્ષામાં રહેલા એસપીજીના ડીસીપી નૈમિશ પાટિલ અને યુપી પોલીસના એસપી સ્વતંત્રકુમાર સિંહએ વાતચીત કરી હતી પરંતુ પોલીસ રાહુલના કાફલાને આગળ વધવા નહીં દે જવા દેવા મક્કમ હતો.
એક તરફ સંભલ જવા માટે રાહુલ ગાંધીના કાફલાને યુપી સરહદ પાસે રોક્યો છે. બીજી તરફ યોગી સરકારે સંભલની હિંસામાં સામેલ અપરાધીઓના ગેરકાનૂની બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું શરુ કરી દીધું છે અને અહીં કોલેજ ગેટ પાસે અનેક જે દબાણ થયું હતું તે પણ હટાવવાનું શરુ કરતા સંભલમાં ફરી એક વખત તનાવ સર્જાયો છે.
ડેપ્યુટી કલેક્ટર વિનયકુમાર મીશ્રાના નેતૃત્વ હેઠળ પોલીસના બંદોબસ્ત વચ્ચે બુલડોઝર આજ સવારથી જ પહોંચી ગયા હતા અહીં બનેલી ગેરકાનૂની દુકાનો અને આવાસને ખાલી કરવા માટે અગાઉ જ નોટીસ અપાઇ હતી. આ ઉપરાંત ફુટપાથ પર જે રીતે દબાણો થયા હતા તેને હટાવવાનું શરુ થઇ ગયું છે. મંગળવારથી જ યોગી સરકારે આ કામગીરી શરુ કરી હતી.

