Mumbai,તા.17
દેશમાં સાયબર અપરાધમાં સતત થઈ રહેલા વધારામાં હવે દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પણ અપરાધીઓના નિશાન પર આવી ગઈ છે અને બેન્કના ટોચના મેનેજમેન્ટ દ્વારા ચોકકસ યોજનાઓમાં ઉંચા વળતરની ખાતરી આપતા રોકાણ માટે જે રીતે વિડીયો વાયરલ થયો છે તેની સામે તમામ રોકાણકારોને સાવધ કર્યા છે.
બેન્કે સ્થાપના કરી છે કે તેણે અથવા તેની સાથે સંકળાયેલા કોઈએ આ પ્રકારે અશકય તેવા ઉંચા વળતરની યોજના લોન્ચ કરી નથી અને તે એક સાયબર કૌભાંડ છે. જેનાથી તમામે સાવધ રહેવું જરૂરી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના તમામ ગ્રાહકો અને એકંદરે જનતાને આ પ્રકારના ડીપફેક વિડીયો જેમાં બેન્કના મેનેજમેન્ટને પણ ખોટી રીતે રજુ કરાયા છે તેને નહી અનુસરવા અપીલ કરી છે.
બેન્કના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા ચહેરાઓના અન્ય સંબોધન સાથે ચેડા કરીને આ ડીપફેક વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે. બેન્ક આ પ્રકારની કોઈ નાણાકીય રોકાણની અપીલ કરતી નથી અને બેન્ક આવી કોઈ યોજના લોન્ચ પણ કરી નથી.
બેન્કે આ ડિપફેક વિડીયોનો એક શોટ પણ શેર કર્યો છે. ડિપફેક વિડીયોમાં બેન્કના મેનેજમેન્ટ સાથે જોડાયેલા ચહેરાના કોઈ અન્ય સંબોધનને ડીજીટલ ચેડા કરીને તૈયાર કરાયા છે અને તેમાં ઉંચા વળતર જે અશકય છે તેની લાલચ આપીને રોકાણ કરવા અપીલ કરે છે જે વાસ્તવમાં એક ફ્રોડ છે અને રોકાણકારના નાણાની ઉઠાંતરીનું આયોજન છે પણ બેન્કે તેનાથી સાવધ રહેવા લોકોને અપીલ કરી છે.