Coimbatore, તા. 23
છૂટાછેડા બાદ પતિએ તેમના પત્નીને ભરણપોષણ ચૂકવવું પડે છે. આ જ રીતે, પોતાના પત્નીને ભરણપોષણ ભથ્થું આપવા માટે એક પતિ 80,000 રૂપિયાના સિક્કા લઈને કોર્ટ પહોંચ્યો હતો.
આ સિક્કા માત્ર 1 અને 2 રૂપિયાના હતા. આ ઘટના 18 ડિસેમ્બરે કોઈમ્બતુરની એડિશનલ ફેમિલી કોર્ટમાં બની હતી, જ્યાં કોર્ટે પતિને પત્ની માટે ભરણપોષણ તરીકે 2 લાખ રૂપિયા ચૂકવવા કહ્યું હતું. જે બાદ પતિ સિક્કાથી ભરેલી બે સફેદ થેલી લઈને કોર્ટમાં પહોંચ્યો હતો. જેનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે ન્યાયાધીશે કોર્ટમાં પતિ દ્વારા ભરણપોષણ માટે લાવેલા સિક્કા જોયા તો જજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે વ્યક્તિને સિક્કાના બદલામાં નોટો આપવા કહ્યું.
ઉલ્લેખનીય છે કે, 80 હજાર રૂપિયાનું ભરણપોષણ આપનાર વ્યક્તિ વ્યવસાયે ટેક્સી ડ્રાઈવર છે. જે વડાવલ્લીનો રહેવાસી છે. આ 37 વર્ષીય ટેક્સી ડ્રાઈવરના પત્નીએ ગયા વર્ષે કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. જે બાદ કોર્ટે ટેક્સી ડ્રાઈવરને તેના પત્નીના ભરણપોષણ માટે 2 લાખ રૂપિયાનું વચગાળાનું ભરણપોષણ ભથ્થું આપવાનો આદેશ આપ્યો હતો.

