‘પુષ્પા-ટુ’ ફિલ્મના હીરો અલ્લુ અર્જુુનને જેલનો કિસ્સો હજુ ભૂલાયો નહોતો ત્યાં એના ઘરની બહાર થયેલા ભાંગફોડની ઘટના ચર્ચાના એરણે ચડી છે. ભાગોદોડીમાં મૃત્યુ પામનાર રેવતી નામની મહિલાને લોકો ભૂલી ગયા છે અને બહુમતી વર્ગ અલ્લુને નિર્દોષતાનું પ્રમાણપત્ર આપે છે.
પોતાના મન પર છવાઇ ગયેલા હીરોને જોવા કલાકો સુધી લાઇનમાં કે ભીડમાં ઊભા રહીને ધમપછાડા કરતા હોય છે. ફિલ્મી અને રાજકીય સેલિબ્રિટીઓને કેટલાય લોકો રીતસર પૂજતા હોય છે. બાવન વર્ષના એક કરાટે નિષ્ણાત શિહાન હુસૈનીએ ૧૧ લીટર લોહી તમિળનાડુનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાનું પૂતળું બનાવવામાં વાપર્યું હતું. આ લોહી એણે બ્લડ ડોનેશન મારફતે મેળવ્યું હતું. આ ઘટનાના છ વર્ષ પછી અમ્મા જયલલિતાની મૂર્તિની સામે ક્રોસ બનાવીને એ છ મિનીટ માટે લટકી રહ્યો હતો.
સંજય પાટોડીયા અને બર્નેડાઇન ડીસોઝા નામના બે ચાહકો વચ્ચે સામ્ય એ વાતનું છે કે એમને અમિતાભ બચ્ચન માટે અપાર પ્રેમ છે. સંજય પાટોડીયાએ ૨૦૦૩માં અમિતાભ માટે મંદિર બનાવ્યું હતું. તેમાં અમિતાભની મૂર્તિનું સ્થાપન કરવાને બદલે ‘અગ્નિપથ’ ફિલ્મના શૂટિંગમાં બિગ બીએ જે શૂઝ પહેર્યા હતા તે એક સિંહાસન જેવી ખુરશી પર મૂક્યા હતા ને પછી તેની રોજ પૂજા કરતા હતા. અમિતાભના દીર્ઘાયું માટે નિયમિત હવન અને પૂજા કરતા હતા.
૧૦૩ વર્ષની ઉંમરના બર્નેડાઇન ડીસોઝા પણ અઠંગ બચ્ચનપ્રેમી છે. તેમની સ્મૃતિ ઝાંખી થઈ ગઈ છે, પણ તેઓ બચ્ચનનું નામ ભૂલ્યા નથી. તેમને બચ્ચન સિવાય બીજા કશામાં રસ નથી. આખો દિવસ તેઓ બચ્ચનના નામનું રટણ કર્યા કરતા હતા.
એવી જ રીતે શાહરૂખ ખાનના એક ૪૨ વર્ષીય પ્રેમીનું નામ વિશાલ સિંહ છે. પોતાનું નામ બદલીને તેમણે વિશાહરૂખ ખાન નામ રાખ્યું છે. લખનૈામાં તેઓ હોમિયોપેથિક દવાઓનો હોલસેલ વેપાર કરે છે. તેમની પાસે શાહરૂખના ૨૨,૦૦૦ ફોટોગ્રાફ્સનું કલેક્શન છે. આ તસવીરોને એમણે પોતાના ઘરની દીવાલો પર ચીપકાવી દીધા છે. તેમની પત્નીને હનીમૂન માટે મુંબઇ લઇ જઇને શાહરૂખના ઘર ‘મન્નત’ની બહાર ઊભા રહ્યા હતા કે જેથી તેની એક ઝલક જોઇ શકાય. અરે, તેમણે પોતાના પુત્રનું નામ આર્યન અને પુત્રીનું નામ સિમરન રાખ્યું છે.
વાસ્તવિકતા પંડિતનું નામ આપણે સાંભળ્યું નથી, પણ એમના પિતા રાજકુમારને આપણે બરાબર ઓળખીએ છીએ. પોતાની અનોખી ડાયલોગ ડિલિવરી માટે જાણીતા એક્ટર સ્વ. રાજકુમારની આ પુત્રી શાહિદ કપૂર પાછળ પાગલ હતી. એ શાહિદની ઘરની અને શૂટીંગની જગ્યાની આસપાસ ફર્યા કરતી. રોજ તેને ઢગલો ટેક્સટ મેસેજ મોકલતી અને છેલ્લે તો પોતે શાહિદ કપુરની પત્ની છે એવો દાવો પણ કર્યો હતો. તેનાથી કંટાળેલા શાહિદે આખરે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
૨૬ વર્ષના મધુ મહાનંદ ટેલિવિઝન એક્ટર પ્રત્યુષા બેનરજીને રોજ ‘બાલિકા વધૂ’ સિરીયલમાં જોતો હતો. પ્રત્યુષાએ આપઘાત કરતાં મધુ મહાનંદે પણ આપધાત કરી લીધો હતો હોલિવુડ સ્ટાર જુલિયા રોબર્ટ્સના એક ૫૬ વર્ષના પ્રશંસક નામે મીલજીનકો બુકોવીકે પોતાના માથા પર અને આખા હાથ પર જુલિયાના ૮૨ જેટલાં પોટ્રેટના ટેુટુ ચિતરાવ્યાં છે. આ માટે તેને ૧૦ વર્ષ થયાં હતાં અને જો રૂપિયામાં ગણતરી કરીએ તો લગભગ સવા લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
માર્ક ચેમ્પેન નામના મહાશયનો કિસ્સો વિચિત્ર છે. એ પ્રખ્યાત મ્યુઝિશીયન જ્હોન લેનનનો મહા ફેન હતો. એક વાર જ્હોન લેનને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મ્યુઝિકલ ગુ્રપ બીટલ્સ તો જીસસ કરતાં પણ વધુ ફેમસ છે ત્યારે માર્ક ચેમ્પને લેનનની હત્યા કરી નાખી હતી. જર્મન ટેનિસ પ્લેયર સ્ટેફી ગ્રાફનો એક ફેન માનસિક રીતે અસ્થિર હતો. સ્ટેફી સામે મેચ રમનાર મોનિકા સીલ્સ પર એણે ચાકુથી હુમલો કર્યો હતો.
ભારત- પાકિસ્તાનની મેચો વખતે ક્રિકેટ ફેનનું લિસ્ટ સુધીરકુમાર ચૌધરી વગર અધૂરૃં હોય છે. તેઓ વ્યવસાયે શિક્ષક છે. પગથી માથા સુધી ભારતનો તિરંગો ચીતરીને અને પોતાની છાતી પર સચિનનું નામ લખીને પ્રેક્ષકો વચ્ચે ભારતનું અભિવાદન કર્યા કરતા સુધીરકુમારને લાખો લોકોએ જોયો છે. ૨૦૦૨થી તેણે મેચોમાં જવાનું શરૂ કર્યું છે અને ત્યારથી એ છવાઇ ગયા છે. સાચ્ચે, આ ચાહકોની વાત જ ન્યારી છે.

