ટોયોટાની નેક્સ્ટ-જનરેશન કાર્સમાં હવે Nvidiaનું સુપરકમ્પ્યુટર અને ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. Nvidiaએ હાલમાં જ લાસ વેગાસમાં ચાલી રહેલા CES2025 ઇવેન્ટમાં આ સુપરકમ્પ્યુટરને લોન્ચ કર્યું છે. આ સુપરકમ્પ્યુટરને લોન્ચ કર્યા બાદ ટોયોટાએ જાહેરાત કરી છે કે તેમની ભવિષ્યમાં આવનારી કાર્સમાં એનો ઉપયોગ કરવામાં આવશે. આ બન્ને કંપનીઓ સાથે મળીને કારના ડ્રાઇવિંગ એક્સપિરીયન્સને અદ્ભુત બનાવવા માંગે છે. તેમ જ એની સાથે સેફ્ટીને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.
Nvidia ડ્રાઇવ AGX Orin સુપરકમ્પ્યુટર
ટોયોટાની આગામી કારમાં Nvidia ડ્રાઇવ AGX Orin સુપરકમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવશે. આ સુપરકમ્પ્યુટર કારના તમામ સેન્સરના ડેટાને મેળવી, શું નિર્ણય લેવો એ વિશે માહિતી આપશે. આ પ્રોસેસ એટલી સ્પીડમાં થશે કે જેના કારણે કોઈ પણ પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે કાર હેન્ડલ કરી શકશે. જેના કારણે ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ ફીચરને વધુ એડ્વાન્સ બનાવી શકાશે. AGX Orin Nvidiaનું સેલ્ફ-ડ્રાઇવિંગ ટૂલકિટ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલને ટ્રેઇનિંગ આપવા માટે એમાં Nvidia DGX અને ઓમનિવર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી, આ તમામ ટેક્નોલોજીનો ઉપયોગ કારમાં કરવામાં આવશે ત્યારે ડ્રાઇવર કરતાં કારે પોતાની સ્પીડ અને એને કેવી રીતે કન્ટ્રોલ કરવી એના બધા નિર્ણય લઈ લેશે.
ડ્રાઇવ ઓપરેટિંગ સિસ્ટમ
ટોયોટાની કારમાં Nvidiaની સેફ્ટીને પ્રાધાન્ય આપતી ડ્રાઇવ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળશે. આ ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ સેફ્ટી છે. આથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિયલ-ટાઇમ પ્રોસેસ કરશે અને એમાં એડ્વાન્સ ડ્રાઇવિંગ અને કોકપિટ ફીચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટોયોટાની આગામી કાર આ ઓપરેટિંગ સિસ્ટમને કારણે સેફ તો રહેશે જ, પરંતુ એમાં એટલાં જ ઓટોમેશન ફીચર્સ પણ જોવા મળશે.

Nvidia અને ટોયોટાની પાર્ટનરશિપ
ટોયોટા અને Nvidiaની પાર્ટનરશિપ ખૂબ જ જૂની છે. 2017માં ટોયોટાએ જાહેરાત કરી હતી કે તેઓ તેમની કારમાં Nvidiaની ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. 2019થી ટોયોટાએ તેમના ઓટોનોમસ વ્હીકલ સિસ્ટમને બનાવવા અને ટ્રેઇન કરવા માટે Nvidiaની ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. હાલની જાહેરાત મુજબ, બન્ને કંપનીઓ તેમની પાર્ટનરશિપને એક સ્ટેપ આગળ લઈ જઈ રહી છે. Nvidiaના સુપરકમ્પ્યુટર હવે ટોયોટાની કારને વધુ સેફ અને સિક્યોર બનાવવા માટે મદદ કરશે.
Nvidiaનો બિઝનેસ
ટોયોટા સાથેની પાર્ટનરશિપને કારણે Nvidiaનો બિઝનેસ ખૂબ જ વિકસિત થશે. Nvidia હવે ક્લાઉડ સિસ્ટમ અને ચીપ્સ અને ગ્રાફિક્સ કાર્ડથી લઈને કારના બિઝનેસમાં પણ ઝંપલાવી રહી છે. Nvidia અનુસાર, તેમનું ઓટોમોટિવ બિઝનેસ 2026માં 5 બિલિયન ડોલરનો બિઝનેસ કરશે એવી આશા રાખવામાં આવી રહી છે.