New Delhi,તા.10
યુજીસીની ગાઈડલાઈન મુજબ કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા વોકેશનલ કોર્સીસમાં વર્ષમાં બે વખત પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે, ત્યારે એઆઈસીટીઈ દ્વારા ટેકનિકલ કોલેજોમાં પણ વર્ષમાં બે વખત પ્રવેશ માટેની છૂટ આપવામા આવી છે.
એઆઈસીટીઈ દ્વારા આ માટે સર્ક્યુલર કરવામા આવ્યો છે અને ટેકનિકલ કોલેજોમાં વર્ષમાં બે વખત યુજી અને પીજીના પ્રવેશ માટેના નિયમો નક્કી કરવામા આવ્યા છે. જેમાં ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીથી માંડી વિવિધ ટેકનિકલ કોર્સમાં જુલાઈના સેશનમાં પ્રવેશ અપાયા બાદ ખાલી રહેતી બેઠકો પર જાન્યુઆરીમાં પણ મેરિટ આધારીત પ્રવેશ પ્રક્રિયા કરવાની જોગવાઈ કરાઈ છે.
હાલ ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીમાં જુન-જુલાઈની મુખ્ય પ્રવેશ પ્રક્રિયા બાદ હજારો બેઠકો ખાલી પડી રહી છે અને ડ્રોપઆઉટ વધવા સાથે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પણ ઓછો હોવાથી એઆઈસીટીઈ દ્વારા ટેકનિકલ કોલેજોમાં બે વખત પ્રવેશ માટે ખાસ છૂટ આપવામા આવી છે.
કાઉન્સિલ દ્વારા ટેકનિકલ યુનિવર્સિટીઓ, ડિમ્ડ યુનિ.ઓ અને ઓટોનોમસ કોલેજોને મંજૂરી અપાઈ છે. જેમાં ઈજનેરી સહિતના ટેકનિકલ પીજી કોર્સીસમાં માં ગેટ સ્કોર 3 વર્ષ માટે લાયક રહેશે અને જેના આધારે જુલાઈ-જાન્યુઆરી એમ બંને વખત પ્રવેશ અપાશે.
જ્યારે યુજી ડિગ્રી ઈજનેરી-ડિપ્લોમા ઈજનેરી, ડિઝાઈન,બીસીએ અને બીબીએ સહિતના કોર્સીસમાં જુલાઈના સેશનની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેતી બેઠકોમાં જાન્યુઆરીના સેશનમાં મેરિટ આધારીત પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે. અગાઉના જુલાઈના સેશનમાં પ્રવેશ મેળવી ચુકેલા વિદ્યાર્થીઓને જે તે કોલેજમાં બીજી વારના પ્રવેશ સમયે પ્રથમ તક આપવાની રહેશે.
કોલેજો-યુનિ.ઓએ બે વખત પ્રવેશ કરતા ખાસ એકેડેમિક કેલેન્ડરનું જળવાશે તેનું ઘ્યાન રાખવાનું રહેશે. પીજી ઈજનેરી-ટેકનોલોજીકલ કોર્સીસમાં જો કોલેજો નવા પ્રોગ્રામ શરૂ કરવા માંગતી હોય તો કાઉન્સિલ દ્વારા પોર્ટલ ખોલવામા આવશે.કોલેજો અરજી કરવાની રહેશે.

