મકરસંક્રાંતિના દિવસે ૫તંગ ચગાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને હુમલો કર્યો હતો
Motadadwa તા.18
આટકોટના મોટા દડવા ગામે મકરસંક્રાંતિના દિવસે ૫તંગ ચગાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને બીજા દિવસે પરિવાર ઉપર લાકડી, પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના ગુનામાં જેલહવાલે થયેલા ચાર શખ્સોના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.મોટાદડવા ખાતેના આ બનાવમાં ફરીયાદી દિલીપ નરશીભાઈ સોલંકીએ વિક્રમ ઉર્ફે કાળુ કિશોરભાઈ ચારોલીયા, જગુ કિશોરભાઈ ચારોલીયા, કિશન કિશોરભાઈ ચારોલીયા રહે.મોટાદડવા અને રામજી મેરૂભાઈ માથસુળિયા (રહે મદારગઢ,તા.ચોટીલા)વિરુધ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી, આટકોટ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ જસદણ કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બધા આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો. જેલહવાલે રહેલા આરોપીઓએ રાજકોટ સેેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી હતી, આ અરજી ચાલવા ઉપર આવતા આરોપીના વકીલ દ્વારા વિવિધ કોર્ટના ચુકાદાઓ ટાંકીને રજૂઆત કરેલી અને વિવિધ મુદ્દા ઉપર ધારદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા સરકારી વકીલ અને બંને પક્ષોના વકીલોની દલીલો સાંભળીને આરોપીના વકીલોની દલીલો ગ્રાહ્ય રાખી રાજકોટના એડિશનલ સેશન્સ જ્જ બ્રહ્મભટ્ટ દ્વારા તમામ આરોપીને પંદર-પંદર હજારના શરતી જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે ગોંડલના વિજયરાજસિંહ એસ.જાડેજા તેમજ એચ.કે.ચનિયારા રોકાયા હતા.
