Jetpur,તા.18
તાલુકા પંચાયતની પીઠડિયા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય વાવટો
જેતપુર નગરપાલિકામાં ફરી એક વખત ભાજપનો વિજય થતાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા કિંગ મેકર સાબિત થયા છે. નગરપાલિકાની ૪૪ બેઠકમાંથી બે બેઠકના ભાજપના ઉમેદવારોના મેન્ડેટ આવ્યા ન હોવા છતાં ૪૪માંથી ૩૨ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ૧૧ બેઠકો ઉપર અપક્ષો ચૂંટાયા છે અને કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક જ બેઠક મળી છે.
આ ઉપરાંત તાલુકા પંચાયતની પીઠડિયા બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર જંગી લીડથી ચુંટાઈ આવ્યા છે.
ચૂંટણીના પરિણામો બાદ ભાજપના વિજેતા ઉમેદવારોનું ભવ્ય વિજય સરઘસ નિકળ્યું હતું જેમાં ઉમેદવારોએ ધારાસભ્ય જયેશ રાદડિયાને ખભે બેસાડી ફેરવ્યા હતાં. જેતપુર સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાનો મત વિસ્તાર હોવાથી આ નગરપાલિકાની ચૂંટણી ઉપર સૌની નજર મંડાયેલ હતી. ભાજપના આંતરિક રાજકારણમાં જૂથવાદના કારણે રાદડિયાના વિશ્વાસુ એવા સુરેશ સખરેલિયા સહિત બે ઉમેદવારોના મેન્ડેટ છેલ્લી ઘડીએ નહીં આવતા આ બે બેઠક ઉપર ભાજપ ચૂંટણી લડી શકેલ નહીં જ્યારે બાકીની ૪૨ બેઠકમાંથી ૩૨ બેઠકો સાથે ભાજપે તોતીંગ બહુમતિ મેળવતા વિરોધીઓમાં સોંપો પડી ગયો છે.
જયેશ રાદડિયા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જેતપુરના નવાગઢના નાગરિકોએ નગરપાલિકામાં ભાજપને શાસન આપ્યું છે એ બદલ આભાર. આ ચૂંટણી પરિણામમાં કોંગ્રેસને એક બેઠક અને આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું નથી. આ પરિણામ બતાવે છે કે જેતપુર શહેર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. જે પ્રમાણે આમ આદમીના પાર્ટીના નેતાઓએ બહારથી આવીને અપ્રચાર કર્યો, વાતાવરણ બગાડવાના પ્રયત્નો કર્યા અને મારા વિશે પણ ગમે તેમ બોલ્યા હતા. જેનો જવાબ હું આપી શકતો હતો પણ મને જેતપુર શહેરના મતદાતા ઉપર વિશ્વાસ હતો કે મતદાન કરીને આ લોકોને જવાબ આપશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેતપુર નગરપાલિકામાં જે અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે તેમાંથી 11 માં થી 5 જેટલા વિજેતાએ પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો છે તે જાહેર કર્યો છે. સાથે પીઠડીયા તાલુકા પંચાયતની પણ આજે ચૂંટણીનું પરિણામ હતું. જેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે.