New Delhi,તા.27
આવકવેરા સહિતની ટેકસ પ્રણાલીને સરળ બનાવવા માટે સરકાર વખતોવખત સુધારા કરી જ રહી છે. આવકવેરાને લાગે વળગે છે ત્યાં સુધી તાજેતરમાં નવુ ઈન્કમટેકસ બીલ પેશ કરાયુ હતું.આ કાયદાનો અમલ સરળ-ઝંઝટ મુકત બનાવાયાનો દાવો કરાયો છે ત્યારે સોશ્યલ મીડીયામાં વર્તમાન આવકવેરા કાયદા 1961 ની કલમ 142 (1) ની જોગવાઈ અને તે હેઠળ માંગવામાં આવેલી વિગતો-કાર્યવાહી વાયરલ થઈ છે.
આવકવેરા રિટર્નમાં ઘર ખર્ચ ઘણો ઓછો દેખાડવા બદલ પરિવારનાં સભ્યોની સંખ્યાથી માંડીને અનાજ-કરીયાણા તથા ઘર વપરાશમાં સામેલ ચીજો પાછળ કરાયેલા ખર્ચના બીલોની માંગણી કરવામાં આવી હોવાનું સુચવાય છે.
સોશ્યલ મીડીયામાં વાયરલ મેસેજ મુજબ કરદાતા પાસેથી આવકવેરા કાયદા 1961 ની કલમ 142 (1) હેઠળ ઝીણામાં ઝીણી વિગતો માંગવામાં આવી છે. નોટીસમાં એમ કહેવાયું છે કે રિટર્નમાં ઘરખર્ચ ખુબ જ ઓછો દર્શાવાયો છે. એટલે પરિવારનાં સભ્યોની સંખ્યા, તેમની માહિતી, પાનનંબર તથા તમામની વાર્ષિક આવક રજુ કરવામાં આવે.
આ સિવાય ઘઉંના લોટ, ચોખા, મસાલા, ખાદ્યતેલ, ગેસ, વિજળી, કપડા,ચપ્પલ-બુટ, બુટપોલીસ, હજામ, કોસ્મેટીકસ, પરફયુમ, સામાજીક કાર્ય ખર્ચ, સ્કુલ ફી, ભાડુ, કાર ખર્ચ, મકાન, વીમો સહીતનાં ખર્ચના ચીગના તથા ભાવ સહીતની માહીતી રજુ કરવાની રહેશે.
નોટીસમાં છેલ્લે એમ કહેવાયું છે કે માહિતી ન આપવા બદલ તંત્ર 10 લાખનો ખર્ચ ગણીને કાર્યવાહી કરશે. કરવેરા નિષ્ણાંતો, જોકે આ વાયરલ નોટીસને શંકાસ્પદ ગણી રહ્યાછે તંત્રને વિવિધ માહિતી માગવાનો અધિકાર છે પરંતુ આટલી હદે ન માંગે તેવો સુર છે.
કરવેરા નિષ્ણાંતોએ સોશ્યલ મીડીયામાં વાઈરલ ઈન્કમટેકસ નોટીસને શંકાસ્પદ-બનાવટી ગણાવી છે અને ઓનલાઈન છેતરપીંડી કૌભાંડનો ભાગ હોવાની શંકા દર્શાવી છે.
નિષ્ણાંતોએ કહ્યુ કે, સાચી લાગતી નોટીસમાં રીટર્ન-આકારણી વર્ષનો ઉલ્લેખ ન હોવા સહિતની ટેકનીકલ ભુલો છે. નોટીસમાં વર્ષ દર્શાવાતુ જ હોય છે. ઉપરાંત નોટીસમાં વ્યાકરણ ભુલો પણ છે જે ભાગ્યે જ થતી હોય છે. વાળ કાપવા, પરફયુમ જેવી ચીજો પાછળનો ખર્ચ માંગવામાં આવે તે પણ ગળે ઉતરે તેમ નથી.
આવકવેરા વિભાગ આવક-ખર્ચની માહિતી માંગી શકે પરંતુ આટલી હદે વિગતો ન માંગો. આ ઉપરાંત 10 લાખનો ખર્ચ ગણતરીમાં લઈ લેવાની ચેતવણીમાં 10 લાખની રકમ પણ અતિશ્યોક્તિભરી છે. સામાન્ય રીતે તંત્ર પુરાવાના આધારે જ આવકની ગણતરી કરતુ હોય છે.