Rajkot,તા.01
ભારત મૌસમ વિજ્ઞાાન વિભાગ દ્વારા આવતીકાલથી શરૂ થતા માર્ચથી મે સુધીના ઉનાળાના ત્રણ માસમાં દેશમાં એકંદરે ઉનાળામાં હોય છે તેના કરતા ઘણી વધુ ગરમી પડવાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. તાપમાન સામાન્યથી અધિક રહેશે. જેમાં ગુજરાતમાં રેડ માર્કથી દર્શાવ્યા મૂજબ આ ત્રણ માસમાં અતિશય અગનવર્ષા થવાની સંભાવના છે અને હીટવેવની શરૂઆત માર્ચમાં થઈ શકે છે.
ગ્લોબલ વોર્મિંગની અસર ગુજરાતને વ્યાપક રીતે થઈ રહી છે અને આ વર્ષે શિયાળો પણ હૂંફાળો રહ્યો છે. કડકડતી ઠંડીના માસ જાન્યુઆરીમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહ્યું છે. હવામાનને અસર કરતો ગરમ અલ નીનો પ્રવાહથી વિપરિત હાલ ઠંડો પ્રવાહ ગણાતો લા નીનાની સ્થિતિ હોવા છતાં સમગ્ર વિશ્વમાં રેકોર્ડબ્રેક ઉંચુ તાપમાન નોંધાયું છે. હવે ઉનાળામાં ખાસ કરીને બાળકો,સગર્ભા,વૃધ્ધો,બિમારો માટે વધુ જોખમી રહે તેવો તડકો પડવાની શક્યતા છે. ઉંચા તાપમાનની ઉનાળુ વાવેતર, કેસર કેરી સહિત બાગાયતી પાકો, જળ-વિજળી માંગ તેમજ જનસ્વાસ્થ્ય ઉપર પણ વ્યાપક અસરની સંભાવના છે.
ગુજરાતમાં વસંત ઋતુના માર્ચ માસમાં જ ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારમાં હીટવેવની શક્યતા છે, જ્યારે એપ્રિલ-મે માસમાં સમગ્ર ગુજરાતમાં હીટવેવ સામાન્ય કરતા ઘણા વધારે દિવસો રહેશે. આ સાથે ઉનાળામાં માવઠાંનું પ્રમાણ સામાન્યથી ઓછું રહેવાની પણ સંભાવના છે. હાલ, શિયાળા-વસંતઋતુના સંધિકાળમાં જ રાજ્યમાં આ સમયમાં સામાન્ય હોય તેના કરતા 4થી 5 સે. તાપમાન સતત ઉંચુ નોંધાતું રહ્યું છે. મહત્તમ તાપમાન ફેબુ્રઆરીમાં 30- 32 સે.ને બદલે 37-39 સુધી પહોંચી ગયું છે ત્યારે ઉનાળો અતિશય આકરો રહેવા મૌસમ વિજ્ઞાાનીઓનું પૂર્વાનુમાન છે.