Washington,તા.22
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આશા વ્યક્ત કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી સધાવાની પૂરી શક્યતા રહેલી છે. આ પૂર્વે તેઓએ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને સમજાવ્યા હતા તેથી તેઓ અમેરિકાએ જ આપેલાં લાંબા અંતરના મિસાઇલ્સ અને ડ્રોન હુમલા રશિયા પર કરવામાં ૩૦ દિવસનો વિરામ સ્વીકાર્યો હતો અને તે દરમિયાન રશિયાનાં નાગરિક ઈન્ફ્રાસ્ટ્રકચર્સ પર પણ હુમલા ન કરવા કબૂલ થયા હતા.
ઝેલેન્સ્કીએ રશિયા ઉપર હુમલા ન કરવાનું તેટલા માટે સ્વીકાર્યું હતું કે, રશિયાએ ઈસ્ટરનાં પર્વ દરમિયાન યુક્રેન ઉપર હુમલા ન કરવા સ્વીકાર્યું હતું. આમ આ ‘ઈસ્ટર-પર્વ’ દરમિયાન બંને દેશો વચ્ચે અત્યારે તો શાંતિ પ્રવર્તી રહી છે તેનો લાભ લઈ પ્રમુખ ટ્રમ્પે ટ્રુથ-સોશ્યલ ઉપર જણાવ્યું કે બંને દેશો એક વખત પણ સમજૂતિ સાધશે તો તેઓ અમેરિકા સાથે વ્યાપાર કરીને ઢગલાબંધ સંપત્તિ પ્રાપ્ત કરી શકશે.
તેઓએ ‘ટ’ ઉપર લખ્યું, આશા રાખીએ કે રશિયા અને યુક્રેન આ સપ્તાહમાં જ સમજૂતી સાધી શકશે. તે પછી બંને અમેરિકા સાથે વ્યાપાર કરી શકશે તે વધતાં તેઓનાં ભાગ્ય ખુલી જશે.
પ્રમુખ ટ્રમ્પના આ શબ્દો ‘શાંતિ-સમજૂતી’ની શક્યતા દર્શાવે છે. જોકે હજી સુધી બેમાંથી એક પણ દેશે આ અંગે કોઈ નિવેદન પ્રસિદ્ધ કર્યું નથી. તેમ છતાં આશા રાખીએ કે લાંબા સમયથી ચાલી રહેલાં આ યુદ્ધમાં શાંતિ સમજૂતીના પ્રમુખના પ્રયાસો સફળ રહે, અને આખરે આ યુદ્ધ અટકે.
દરમિયાન સીએનએનના અહેવાલે તો શુક્રવારે જ જણાવી દીધું હતું કે, રશિયા-યુક્રેન શાંતિ સમજૂતીના ભાગરૂપે ક્રીમીયા ઉપરનો રશિયાનો કબ્જો સ્વીકારવા અમેરિકા તૈયાર છે. પરંતુ બંને પક્ષોએ તત્કાળ યુદ્ધ વિરામ કરવો જ પડે. વાસ્તવમાં ગુરૂવારે પેરિસમાં મળેલી યુરોપીય અધિકારીઓ અને યુક્રેનના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં યુક્રેનને આ દરખાસ્ત સમજાવવામાં આવી હતી. જોકે હજી તેમાં થોડી ખાલી જગ્યાઓ રહેલી છે જે આગામી સપ્તાહે લંડનમાં મળનારી યુરોપ અને યુક્રેન વચ્ચેની બેઠકમાં પૂરવામાં આવશે.
આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે જો મેં સૂચવેલી દરખાસ્તો બેમાંથી એકે નહીં સ્વીકારો તો બંને મૂર્ખ ઠરશો. તેઓ ભયંકર લોકો છો. જો નહીં સમજો તો અમેરિકા તેમાંથી ખસી જશે અત્યારે જ તક છે. (શાંતિ માટેની) તે ઝડપી લો.