Islamabad તા.8
શારજાહથી (Sharjah) પાકિસ્તાનના કરાચી આવી રહેલું એક માલવાહક વિમાન અરબ સાગરમાં રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયું છે. નેવિગેશન સિસ્ટમ ખોરવાઈ ગયા બાદ આ વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલસાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
વિમાનમાં ચાલક દળના 5 સભ્યો સવાર હતા અને પ્રાથમિક અહેવાલો મુજબ આ વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ દરિયામાં મોટા પાયે શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, મંગળવારે રાત્રે પાકિસ્તાની સમય મુજબ 9ઃ18 વાગ્યે વિમાને કરાચી તરફ આગળ વધતી વખતે નેવિગેશન સિસ્ટમમાં ખામી હોવાની જાણ કરી હતી.
સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે વિમાનને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના માત્ર ત્રણ મિનિટ બાદ જ રડાર સિસ્ટમ પર વિમાન ખૂબ જ ઝડપથી નીચે તરફ જતું દેખાયું હતું અને ત્યારબાદ કમ્યુનિકેશન સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. સંપર્ક તૂટ્યો ત્યારે આ ફ્લાઈટ કરાચીથી આશરે 155 નોટિકલ માઈલ પશ્ચિમમાં હતી. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર, આ ઘટના બલૂચિસ્તાનના ઓરમરા નજીક અરબ સાગર પર બની છે.
વિમાનોની ગતિવિધિ પર નજર રાખતી વૈશ્વિક સર્વિસ ‘ફ્લાઈટરાડાર 24’ના પ્રાથમિક ડેટા અનુસાર, અકસ્માત પહેલા વિમાનની ઊંચાઈમાં અચાનક અને મોટો ફેરફાર થયો હતો. વિમાન પહેલા નીચે આવ્યું, પછી થોડી સેક્નડ માટે ઉપર ગયું અને ત્યારબાદ અત્યંત ઝડપથી નીચે તરફ ડાઈવ કરવા લાગ્યું હતું.
છેલ્લી માહિતી મુજબ વિમાન સમુદ્રની સપાટીથી માત્ર 1,100 ફૂટની ઊંચાઈ પર હતું અને તે માઈનસ 22,400 ફૂટ પ્રતિ મિનિટની અસામાન્ય અને અત્યંત જોખમી ઝડપથી નીચે પડી રહ્યું હતું.
ગુમ થયેલું એરક્રાફ્ટ પાકિસ્તાનમાં રજિસ્ટર્ડ થયેલું ‘બોઇંગ 737-400’વિમાન હતું, જેને પેસેન્જર પ્લેનમાંથી માલવાહક વિમાનમાં ફેરવવામાં આવ્યું હતું. આ વિમાનનું સંચાલન પાકિસ્તાનની ખાનગી એરલાઇન ‘K2 A¡fh¡T’ (K2 Airways) દ્વારા કરવામાં આવતું હતું.
27 વર્ષ જૂનું આ વિમાન આ એરલાઇનનું એકમાત્ર એરક્રાફ્ટ હતું, જેણે વર્ષ 2024માં જ પોતાની સેવાઓ શરૂ કરી હતી. મૂળભૂત રીતે વર્ષ 1999માં રશિયાની ‘એરોફ્લોટ’ એરલાઇન્સ સાથે આ વિમાને ઉડાન શરૂ કરી હતી અને 2012માં તેને કાર્ગો વિમાનમાં રૂપાંતરિત કરાયું હતું.
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે કે ગુમ થયેલા વિમાન અને તેના ક્રૂ મેમ્બર્સને શોધવા માટે નેવી અને કોસ્ટ ગાર્ડ સહિતની વિવિધ એજન્સીઓ સાથે મળીને દરિયામાં એક સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. જોકે, આ ઘટના અંગે હજુ સુધી એરલાઇન કંપની K2 એરવેઝ કે વિમાન ઉત્પાદક કંપની બોઇંગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

