Rajkot તા.૧૩
Rajkotની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવન દ્વારા બદલાતા સમયની ડિજિટલ અને ટેકનોલોજીકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક નવો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ’પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મીડિયા સ્ટડીઝ’ નામનો આ એક વર્ષનો વ્યવસાયિક કોર્સ બે સેમેસ્ટરમાં વહેંચાયેલો છે. આ કોર્સનો મુખ્ય હેતુ પરંપરાગત મીડિયા અને આધુનિક ડિજિટલ માધ્યમોનો સમન્વય કરીને વિદ્યાર્થીઓને આજના યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા સ્માર્ટ સ્ટોરીટેલર બનાવવાનો છે, જેથી તેઓ આજના બદલાતા મીડિયા લેન્ડસ્કેપ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રવાહ સાથે કદમ મિલાવી શકે.
આ અભ્યાસક્રમના પ્રથમ સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓને માસ કોમ્યુનિકેશનના મૂળભૂત સિદ્ધાંતો, મીડિયા કાયદા અને અખબારના પેજ લેઆઉટ ડિઝાઇનિંગના સૈદ્ધાંતિક અને ટેકનિકલ વિષયો આવરી લેવામાં આવ્યા છે. આ સાથે જ વિદ્યાર્થીઓ રેડિયો અને પોડકાસ્ટ માટે ઓડિયો પ્રોડક્શન તેમજ ટીવી સ્ટુડિયો અને ન્યૂઝ એન્કરિંગના વિવિધ પાસાઓનો ગહન અભ્યાસ કરશે. જ્યારે બીજા સેમેસ્ટરમાં સંપૂર્ણ ફોકસ ડિજિટલ માધ્યમો અને ભવિષ્યની ટેકનોલોજી પર રહેશે, જેમાં મીડિયા વર્કફ્લોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, મોબાઇલ જર્નાલિઝમ અને સિનેમેટિક સ્ટોરીટેલિંગ સાથે ઇન્સ્ટાગ્રામ રીલ્સ તેમજ શોર્ટ ફિલ્મ પ્રોડક્શન જેવા આધુનિક વિષયોનું જ્ઞાન આપવામાં આવશે.
આ પ્રોગ્રામની મુખ્ય વિશેષતા એ છે કે તે ડિજિટલ ક્રિએટર ઇકોનોમી અને ગ્લોબલ ટ્રેન્ડ્સને સુસંગત છે, જે વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ટેકનોલોજીકલ ફેરફારો સામે ટકાવી રાખવા સક્ષમ બનાવે છે. કોર્સ દરમિયાન વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતના વર્તમાન પ્રવાહોથી માહિતગાર કરવા માટે વિષય નિષ્ણાતો સાથે સીધો સંવાદ પણ ગોઠવવામાં આવશે. જેથી તેઓ વૈશ્વિક સ્તરે મીડિયા પોર્ટફોલિયો મેનેજ કરી શકે. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે ન્યૂઝ એન્કર, વીડિયો એડિટર, સોશિયલ મીડિયા મેનેજર, રેડિયો જોકી, મોબાઇલ જર્નાલિસ્ટ અને કોર્પોરેટ કમ્યુનિકેશન એક્ઝિક્યુટિવ જેવા ક્ષેત્રોમાં કરિયરની વ્યાપક અને આકર્ષક તકો ઉપલબ્ધ બનશે.
આ રોજગારલક્ષી ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અરજી કરી શકે છે. યુનિવર્સિટી દ્વારા આ કોર્સમાં ગુણવત્તાસભર શિક્ષણ જળવાઈ રહે તે માટે માત્ર ૨૦ બેઠકોની મર્યાદા રાખવામાં આવી છે. પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના સત્તાવાર એડમિશન પોર્ટલ ૠઈઅજ (વિિંાંતઃ//લભફત.લીષલજ્ઞદ.યમી.શક્ષ) પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ વિગતો અને પૂછપરછ માટે વિદ્યાર્થીઓ સવારે ૧૧૦૦ થી સાંજના ૬૦૦ વાગ્યા દરમિયાન પત્રકારત્વ ભવનના હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૫૮૬૪૧૮ પર સંપર્ક સાધી શકે છે.

