New Delhi,તા.15
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નવી દિલ્હીના જંતર-મંતરની મુલાકાત લઈને છેલ્લા 18 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી. સોનમ વાંગચુક કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે.
શંકરસિંહ વાઘેલાએ પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેઓ સોનમ વાંગચુકના શાંતિપૂર્ણ અને લોકશાહી આંદોલન પ્રત્યે આદર વ્યક્ત કરવા જંતર-મંતર પહોંચ્યા હતા.
આ દરમિયાન તેમણે અભિજીત દીપક, સેવન શોટ્સ તથા CJP (Cockroach Janta Party)ના સભ્યો સાથે પણ મુલાકાત કરી અને તેમના મંતવ્યો સાંભળ્યા.
વાઘેલાએ જણાવ્યું કે લોકશાહીમાં મતભેદ સ્વાભાવિક છે, પરંતુ સંવાદના દરવાજા ક્યારેય બંધ ન થવા જોઈએ. દરેક શાંતિપૂર્ણ અને બંધારણીય અવાજને આદરપૂર્વક સાંભળવો એ લોકશાહી પરંપરાની સાચી તાકાત છે.
તેમણે વધુમાં કહ્યું કે, યુવાનોનો વિશ્વાસ, પારદર્શક વ્યવસ્થા અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા ભારતના ઉજ્જવળ ભવિષ્યનો આધારસ્તંભ છે.

