New Delhi, તા. 15
નાબાલિગ છોકરી પર દુષ્કર્ષ ગુજારવાના કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલાં આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા સુપ્રીમ કોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે. આસારામ વતી હાજર રહેલાં વરિષ્ઠ વકીલે સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે 90 વર્ષીય આસારામની તબિયત અત્યંત નાજુક છે.
અને ગત 8 જુલાઈએ તેમને અચાનક ઇન્ટરનલ બ્લીડિંગ (આંતરિક રક્તસ્રાવ) થવાનાં કારણે ગંભીર હાલતમાં જોધપુર એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 17 જુલાઈએ સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે.
અદાલતમાં વકીલોએ જણાવ્યું કે આસારામને હોસ્પિટલમાં લોહી ચઢાવવું પડ્યું છે અને ડોક્ટરોએ તેમને ‘હાઈ રિસ્ક પેશન્ટ’ એટલે કે ગંભીર જોખમ ધરાવતાં દર્દી જાહેર કર્યા છે. આથી માનવતા અને ખરાબ સ્વાસ્થ્યના ધોરણે તેમને વચગાળાની રાહત મળવી જોઈએ.
આ પહેલા જૂન 2026માં આસારામે રાજસ્થાન હાઈકોર્ટનાં એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં હાઈકોર્ટે તેમની પોક્સો એક્ટ હેઠળની સામૂહિક દુષ્કર્ષની સજા રદ કરી હતી પરંતુ કલમ 376 (દુષ્કર્મ) હેઠળની દોષસિદ્ધિ અને આજીવન કેદની મુખ્ય સજા અકબંધ રાખી હતી.

