મોટો ભાઈ દુકાનનું શટર ખોલીને અંદર જોતા પ્રોઢ લટકેલી હાલતમાં જોવા મળ્યા, કારણ અકબંધ
Rajkot તા.૧૫
શહેરના ગુરુપ્રસાદ ચોક નજીક આવેલા સત્યમ્? કોમ્પ્લેક્સમાં વેપારીએ પોતાની જ ગાંઠિયાની દુકાનની અંદર શટર બંધ કરી પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ દોડી ગયેલી માલવીયાનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યા પાછળના કારણો શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના જૂની પપૈયાવાડી શેરી નંબર-૫માં રહેતા દિનેશભાઈ રવજીભાઇ વાસાણી (ઉં ૫૦) ગુરુપ્રસાદ ચોક પાસે આવેલા સત્યમ્? કોમ્પ્લેક્સમાં ’પટેલ ગાંઠિયા’ નામની દુકાન ચલાવતા હતા. રોજિંદા ક્રમ મુજબ ગઈકાલે સાંજે તેઓ પોતાની દુકાને પહોંચ્યા હતા. જ્યાં કોઈ અગમ્ય કારણોસર તેમણે દુકાનનું શટર નીચું પાડી અંદર પંખા સાથે દોરી બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આ દરમિયાન તેમના ભાઈ કિરીટભાઈ દુકાને પહોંચ્યા ત્યારે શટર બંધ હોવાથી તેમણે શટર ઊંચું કરીને જોયું હતું. અંદર દિનેશભાઈને લટકતી હાલતમાં જોઈને તેને તત્કાળ ૧૦૮ને જાણ કરી હતી, ઘટનાસ્થળે પહોંચેલા તબીબોએ દિનેશભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.પ્રાથમિક તપાસમાં ક્રિકેટના સટ્ટામા રકમ હારી જતા પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે મૃતક દિનેશભાઈ પુત્રી હતી જેને પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાને પગલે વાસાણી પરિવાર અને સ્થાનિક વેપારી આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

