‘‘તું મને વાસી જમવાનું આપે છે‘‘ કહી જ્યોતિબેનને પથ્થરના ઘા ઝીંકી દીધા
Rajkot તા.૧૫
શહેરના ગોંડલ રોડ પર આવેલી લોધેશ્વર સોસાયટીમાં જમવા બાબતે ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની પર પથ્થર વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ રોડ નજીક આવેલી લોધેશ્વર સોસાયટીમાં રહેતા જ્યોતિબેન રમેશભાઈ જરીયા (ઉં.વ. ૪૦) ગઈકાલે બપોરે આશરે ૧૨૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે હાજર હતા.
આ સમયે તેમના પતિ રમેશભાઈએ જમવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પત્ની જ્યોતિબેન સાથે ઝઘડો શરૂ કરતા કહ્યું હતું કે, ‘‘તું મને વાસી જમવાનું આપે છે.‘‘ જોતજોતામાં આ ઝઘડો એટલો વધી ગયો કે રમેશભાઈએ આવેશમાં આવીને જ્યોતિબેન પર પથ્થર વડે હુમલો કરી દીધો હતો. પથ્થરના ઘા વાગવાને કારણે જ્યોતિબેનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભોગ બનનાર જ્યોતિબેન ઘરકામ કરવાની સાથે-સાથે પાપડ બનાવવાનું કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. હાલ પોલીસે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

