New Delhi, તા.18
નીટ પેપર લીક બાદ નવેસરથી લેવાયેલી પરિક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે અને 213 માર્કસ સાથે કટ-ઓફ અત્યાર સુધીના ઇતિહાસના સૌથી ઉંચાસ્તરે છે. આ સિવાય આર્થિક રીતે નબળા વર્ગ-ઇડબલ્યુએસઇ તથા ઓબીસી ઉમેદવારોનું પરિણામ 60 ટકાથી વધુ છે જ્યારે માત્ર બીનઅનામત સફળ ઉમેદવારોની ટકાવારી 50 ટકાથી ઓછી છે.
મેડીકલ પ્રવેશમાં કટ ઓફ લાયકાત બીન અનામત તથા ઇડબલ્યુએસ શ્રેણીમાં ઉમેદવારો માટે 213 માર્કસ છે જે ગત વર્ષે માત્ર 144 માર્કસનો હતો. એક જ વર્ષમાં 69 માર્કસનો વધારો થયો છે.
ઓબીસી, એસસી તથા એસટી ઉમેદવારોનું કટ્ટ ઓફ 177 માર્કસનું થયું છે જે ગત વર્ષે 113 હતું. મેડીક્લ પ્રવેશમાં ક્વોલીફાય ઉમેદવારોની સંખ્યા 12.37 લાખવાળી ઘટીને 11.21 લાખ થઇ છે જે 9.3 ટકાનો ઘટાડો સુચવે છે. જો કે, ઉર્તીણ થયેલા ઉમેદવારોની ટકાવારી 56.1 ટકા પર યથાવત છે.
નીટમાં ક્વોલીફાઇંગ નિયમો હેઠળ બીન અનામત તથા ઇડબલ્યુએસ શ્રેણીના વિદ્યાર્થીઓ માટે 50 પર્સંટાઇલ જરૂરી છે જ્યારે ઓબીસી એસસી તથા એસટી ઉમેદવારો માટે તે 40 ટકા છે.

