વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારોને ૨ લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦૦૦૦ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે
Ahmedabad,તા.૧૮
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટના અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દુઃખની આ ઘડીમાં તેમની સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી. હાલ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને શક્ય તમામ તમામ મદદ અને રાહત પૂરી પાડવામાં આવી રહી છે.
આ સાથે જ વડાપ્રધાન મોદીએ પીડિતો માટે આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. પીએમ મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી. તેમણે એક્સ પર લખ્યું કે, “ગુજરાતના અમદાવાદમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં લોકોના મોતના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને તમામ સંભવ મદદ પૂરી પાડી રહ્યું છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રત્યેક મૃતકના પરિવારને ૨ લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.”
અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સીએમએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવી છે. તેમણે જણાવ્યું કે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્તોને જરૂરી મદદ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી પ્રત્યેક મૃતકના પરિવારજનને ૪ લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર લખ્યું કે, અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.
તેમના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક તંત્ર દ્વારા પ્રભાવિતોને તમામ જરૂરી મદદ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા નાગરિકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.

