ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ
Rajkot,તા.18
શહેરના જામનગર રોડ પર આવેલી રેલવેની કેરેજ વેગન ખાતાની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે. ઓફિસ સમય દરમિયાન જ કર્મચારીએ આ અંતિમ પગલું ભરતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલી લોકો કોલોનીમાં રહેતા અને રેલવેમાં ખલાસી તરીકે નોકરી કરતા પ્રકાશભાઈ રાયમલભાઇ બાબરીયા (ઉ.વ.૪૩) ગત તા. ૧૫ જુલાઈના રોજ સવારે આશરે ૯:૧૫ વાગ્યે લોકો કોલોનીની પાછળ આવેલી રેલવેની કેરેજ વેગન ખાતાની ઓફિસમાં પોતાની ફરજ પર હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેમણે ઓફિસમાં જ ઝેરી દવા પી લીધી હતી. પ્રકાશભાઈએ ઝેરી દવા પી લીધાની જાણ થતાં જ રેલવે વિભાગ અને સાથી કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તેમને તાત્કાલિક સૌપ્રથમ વેસ્ટર્ન રેલવે હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા પ્રકાશભાઈએ ગઈકાલે દમ તોડી દીધો હતો. રેલવે કચેરીની અંદર જ કર્મચારીએ આપઘાત કરી લેતા અનેક ચર્ચાઓ જાગી છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાતનું સાચું કારણ જાણવા કાયદેસરની તપાસ શરૂ કરી છે.

