પુત્રને બસ સ્ટેશને મૂકી પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો, પરિવારમાં શોક
Upleta,તા.18
ઉપલેટામાં બસ સ્ટેશન પાસે બાઈક ચાલુ કરવા માટે કીક મારતી વખતે અચાનક સંતુલન ગુમાવી બેસતા રોડ પર પટકાયેલા આધેડનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.બનાવને લઈ પરિવારમાં કલ્પાંત છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઉપલેટાની ન્યૂ કોલેજ પાસે આવેલી અર્જુન સોસાયટીમાં રહેતા લક્ષ્મણભાઈ અમરાભાઈ કટારા (ઉં.વ. ૫૮) ગત તારીખ ૧૪ મેના રોજ સવારે આશરે ૬:૩૦ વાગ્યાની આસપાસ પોતાના પુત્રને બાઈક પર બેસાડીને બસ સ્ટેશને મૂકવા ગયા હતા. પુત્રને બસમાં બેસાડી દીધા બાદ, લક્ષ્મણભાઈ જ્યારે પોતાનું બાઈક ચાલુ કરવા માટે કીક મારી રહ્યા હતા, ત્યારે અચાનક તેમનું શારીરિક સંતુલન બગડ્યું હતું. સંતુલન ગુમાવવાના કારણે લક્ષ્મણભાઈ બાઈક સાથે રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન આજરોજ મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક લક્ષ્મણભાઈ નિવૃત્ત હતા અને તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

