Bhavnagar,તા.21
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામની ૬ વર્ષિય બાળકીનું ચાંદીપુરા વાયરથી મોત નિપજ્યાના બનાવ બાદ વધુ એક ચાંદીપુરાના શંકાસ્પદ બાળ દર્દીનું મોત નિપજતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સેંદરડી ગામના પાંચ વર્ષિય બાળકને ચાંદીપુરાના લક્ષણો જણાતા સારવાર માટે ગતરોજ સર ટી.હોસ્પિટલમાં એડમિટ થયું હતું. જેનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામની ચાંદીપુરાના લક્ષણો ધરાવતી ૬ વર્ષિય બાળકીનું ગત તા.૯-૭ના રોજ મોત નિપજ્યું હતું. જેનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ, ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે પ્રથમ મોતનો પ્રથમ બનાવ બન્યો છે. જે બાદ વધુ એક ચાંદીપુરાના શંકાસ્પદ બાળ દર્દીનું મોત નિપજતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. ગતરોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સેંદરડી ગામના પાંચ વર્ષિય બાળકને ચાંદીપુરાના લક્ષણ જણાતા મહુવાથી ભાવનગર સર ટી.હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જેનું આજે વહેલી સવારે સઘન સારવાર દરમિયાન મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે. જોકે આ બાળકના સેમ્પલ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર-ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. પરંતુ ચાંદીપુરાના કારણે બાળકના મોત અને વધુ એક શંકાસ્પદ બાળ દર્દીના મોતથી જિલ્લા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે. આજે રેપિડ રિસ્પોન્સ ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ હાથ ધરી સેમ્પલ લીધાં છે. હાલ સર ટી.હોસ્પિટલના બાળ આરોગ્ય વિભાગમાં ચાંદીપુરા માટે અલાયદો આઈસોલેશન વોર્ડ શરૃ કરી દેવાયો છે. જ્યાં હાલ ગારિયાધારના વતની બે વર્ષિય બાળકની સારવાર ચાલી રહી છે. જેને ચાંદીપુરાના લક્ષણો જણાતા ઢસાથી રિફર કરવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે.

