New Delhi,તા,21
દિલ્હીમાં 20 જુલાઈના રોજ સીજીપી (CJP)ના વિરોધ-પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન અને નીટ (NEET) પરીક્ષામાં ગડબડીને લઈને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પ્રદર્શનકારી યુવાનો સાથે પોલીસના વર્તનને અત્યંત શરમજનક ગણાવ્યું હતું. પ્રિયંકા ગાંધીએ સરકારને અપીલ કરી હતી કે બળપ્રયોગ કરવાના બદલે સરકારે વિદ્યાર્થીઓની વાત સાંભળીને તેમની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ.
વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, ‘રસ્તા પર ઊતરેલા યુવાનો કોઈ રાજકીય હેતુથી નહીં, પરંતુ પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો અત્યંત કઠિન પરિસ્થિતિઓનો સામનો કરે છે. અનેક માતા-પિતા પોતાના બાળકોના અભ્યાસ અને કોચિંગ માટે દેવું કરે છે, પરંતુ વારંવાર થતી ગડબડો અને પેપર લીક જેવી ઘટનાઓ તેમના ભવિષ્ય પર ગંભીર અસરો પાડે છે.’
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને વિનંતી કરી કે, ‘તેઓ પોતે વિદ્યાર્થીઓને મળે અને તેમની વાત શાંતિથી સાંભળે. વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે, કારણ કે પરીક્ષા પ્રણાલીની વારંવારની નિષ્ફળતાઓની જવાબદારી સંબંધિત મંત્રાલયની છે. ભૂતકાળમાં આવી મોટી નિષ્ફળતાઓ પર મંત્રીઓ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપતા હતા, પરંતુ વર્તમાન સરકારમાં જવાબદેહીનો અભાવ જોવા મળે છે.’
કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ લાંબા સમયથી પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતાની માગ કરી રહી છે. ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, ‘પેપર લીકની ઘટનાઓમાં માત્ર નાના અધિકારીઓ સામે જ કાર્યવાહી થાય છે, જ્યારે મોટા જવાબદાર લોકો સામે કોઈ નક્કર પગલાં લેવાતા નથી. આ જ કારણે આવી ઘટનાઓ દેશમાં વારંવાર બની રહી છે, જેનાથી દેશનો યુવા વર્ગ હતાશ અને આક્રોશિત છે.’કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે, ‘વર્તમાન સરકાર યુવા-વિરોધી, ગરીબ-વિરોધી અને કિસાન-વિરોધી નીતિઓ અપનાવી રહી છે. આ માત્ર વિદ્યાર્થીઓનો મુદ્દો નથી, પરંતુ લાખો પરિવારોના આર્થિક અને માનસિક સંઘર્ષનો સવાલ છે.’ તેમણે સરકારને તાત્કાલિક જવાબદારી નક્કી કરીને શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આકરાં પગલાં લેવા માગ કરી હતી.

