(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૨
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી-નાળા છલકાઈ રહ્યા છે. આવા જ એક બનાવમાં અમરેલીના લાઠી ખાતે આવેલ ગાગડિયા નદીના પાણીમાં ફસાઈ ગયેલા એક વૃદ્ધને સ્થાનિક પાલિકાના કર્મચારીઓએ સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી.
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. લાઠી ગામે આવેલી ગાગડિયા નદીમાં પણ પાણીનો પ્રવાહ તેજ બન્યો હતો.
આ દરમિયાન સેતાપાટી નજીક આવેલા નદીના પુલ પાસેથી એક વૃદ્ધ નદીના પાણીમાં ફસાયેલા હોવાનું સ્થાનિક યુવાનોના ધ્યાન પર આવતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં લાઠી નગરપાલિકાના કર્મચારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
પાલિકાના કર્મચારીઓ અલ્પેશભાઈ ડાંગર, મહેન્દ્રભાઈ બાખલકિયા અને મુન્નાભાઈ સરલીયા સહિતની ટીમે સ્થાનિક યુવાનોની મદદથી પાણીમાં ફસાયેલા વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર કરાયેલા રેસ્ક્યુને કારણે વૃદ્ધનો જીવ બચી ગયો હતો અને મોટી દુર્ઘટના બનતા અટકી હતી.
વરસાદી માહોલને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા નદી-નાળાઓ અને પૂર આવેલા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ન કરવા તેમજ સાવચેતી રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે.

