Rajkot તા.૨૪ઃ
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાથી અચાનક થતાં મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. ચિંતાજનક રીતે વધી રહેલા હાર્ટ એટેકના બનાવો વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે આધેડના હૃદય બેસી જવાથી મોત નિપજ્યા છે. પોતાના ઘરે જ અચાનક બેભાન થઈ જતાં તેમજ ચક્કર આવી જતાં સારવાર મળે તે પૂર્વે જ બંનેએ દમ તોડી દેતાં પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેર નજીક આવેલા રણુજા મંદિર સામે આવેલા ગામમાં રહેતા હરપાલસિંહ છનુભા રાઠોડ (ઉં.વ. ૪૧) સવારે ૯૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવે તે પૂર્વે જ હાર્ટ એટેકના કારણે તેમનું તબીબ દ્વારા મોત નીપજ્યાનું જાહેર કરાયું હતું. મૃતક હરપાલસિંહ ખેતીકામ કરતા હતા અને બે ભાઈઓમાં મોટા હતા. બીજા બનાવમાં, શહેરના મોરબી રોડ પર આવેલી ઉત્સવ સોસાયટી, શેરી નંબર ૬માં રહેતા બાબુભાઈ પરબતભાઈ ઢોલરીયા (ઉં.વ. ૪૮) સવારે ૮૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે હતા ત્યારે તેઓને અચાનક ચક્કર આવતા બેભાન થઈ ગયા હતા. હૃદય બંધ પડી જતાં તેમનું પણ સ્થળ પર જ મોત નિપજ્યું હતું. મૃતક બાબુભાઈ વ્યવસાયે ડ્રાઈવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા તથા સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

