Mumbai,તા.27
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન જાણીતી બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. શનિવારે એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતા અભિજિત દીપકેનો એક વીડિયો શેર કર્યો હતો અને આકરા સવાલો પૂછ્યા હતા.વીડિયોમાં CJP નેતા અભિજિત દીપકે કહી રહ્યા છે કે હવે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે, તેથી તેઓ કેબિનેટમાંથી ખરાબ પ્રદર્શન કરનાર કોઈપણ મંત્રીનું રાજીનામું માંગી શકે છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા શ્વેતા તિવારીએ લખ્યું, “હવે, પંજાબના શિક્ષણમંત્રી ક્યારે રાજીનામું આપી રહ્યા છે? અને કોકરોચ જનતા પાર્ટી ત્યાં ક્યારે પ્રદર્શન કરી રહી છે?”
નોંધનીય છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં અઠવાડિયાઓ સુધી ચાલેલા મોટા પાયે વિદ્યાર્થી આંદોલનો અને જનઆક્રોશ બાદ શનિવારે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું. વિદ્યાર્થીઓ ખાસ કરીને NEET-UG પેપર લીક અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. 20 જુલાઈએ જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા છાત્રો પર દિલ્હી પોલીસના બર્બર લાઠીચાર્જ બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસની આ કાર્યવાહી બાદ ગુસ્સે ભરાયેલા નાગરિકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના સમર્થનમાં જંતર-મંતર પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શનો મેટ્રો શહેરોથી લઈને નાના નગરો સુધી ફેલાઈ ગયા હતા.
આ પ્રદર્શનો ત્યારે વધુ ઉગ્ર બન્યા જ્યારે 18 જુલાઈના રોજ વહેલી સવારે દિલ્હી પોલીસે પર્યાવરણવિદ્ અને કાર્યકર્તા સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી બળજબરીપૂર્વક હટાવી દીધા હતા. સોનમ વાંગચુક છેલ્લા 21 દિવસથી અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેઠા હતા. સત્તાવાળાઓએ તેમની બગડતી તબિયત, તબીબી સલાહ અને દિલ્હી હાઈકોર્ટના આદેશને ટાંકીને તેમને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વાંગચુક સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગેરરીતિઓના મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જ માંગ કરી રહ્યા હતા.

