New Delhi તા.27
દિલ્હીમાં જંતર મંતર આંદોલન સમયે થયેલા લાઠીચાર્જ તથા પેલેટ ગનના ઉપયોગ તથા બિહારમાં પણ એ.કે.47 જેવા હથિયારના ઉપયોગથી હવે નવો વિવાદ શરુ થયો છે અને સુપ્રીમકોર્ટે વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાર સંબંધી તમામ પાસાઓની સુનાવણી કરવા નિર્ણય લીધો છે.
સર્વોચ્ચ અદાલતે આજે એક રિટ સમયે મહત્વપુર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે શાંતિપુર્ણ પ્રદર્શન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે. લાઠીચાર્જ યોગ્ય ગણાય નહી. નાગરિકોના આ અધિકારનો ઈન્કાર કરી શકે નહી.
હવે સર્વોચ્ચ અદાલત આ મામલે આવતીકાલે તમામ અરજીઓ પર એકી સાથે સુનાવણી કરશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી ખંડપીઠમાં ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી.મોહનાનો સમાવેશ થયો છે અને ફકત દેખાવો કે ધરણાના કારણે પોલીસે જે કાર્યવાહી કરી તેના પર સુનાવણી કરશે.
સર્વોચ્ચ અદાલતે એ પણ જણાવ્યું કે, ફકત ધરણા-પ્રદર્શન થઈ રહ્યા છે એટલે લાઠીચાર્જ કરવો એ યોગ્ય નથી અને પોલીસને પણ પોતાની સુરક્ષા માટે યોગ્ય ઉપકરણો મળવા જોઈએ. સુપ્રીમકોર્ટે એ પણ જણાવ્યું કે દેશભરમાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે એક પ્રોટોકોલ હોવો જરૂરી છે.
આ પ્રકારના ધરણા અને પ્રદર્શન માટે યોગ્ય સ્થાન નકકી થવા જોઈએ અને જો આ પ્રકારના દેખાવોમાં અસામાજીક તત્વો સામેલ હોય તો તેને અલગ રીતે કામ લઈ શકાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમામ પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે દિલ્હી જ નહી દેશભરમાં માર્ગરેખા બનાવવા નિર્ણય લીધો હ્તો.
મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે લોકતંત્રની વ્યવસ્થાને મજબૂત બનાવી રાખવા નાગરિકો સ્વયંથી અપનાવે તે પણ જરૂરી છે. આ તકે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તમામ મામલે નિષ્પક્ષ રૂપથી અદાલતને સહાયતા કરશે.

